Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ૯પ ટકા બેડ કોરોના દર્દીઓથી ભરાયાઃ તહેવારોની ઉજવણી-ખરીદી અને ઠંડી વધતા કેસમાં પણ ઉછાળો આવ્યો

અમદાવાદ : દિવાળીની ખરીદી માટે જે રીતે લોકો માર્કેટમાં નીકળ્યા હતા, તે જોતા કોરોના સંક્રમણની શક્યતા વધી હતી. જોકે, હવે તેનુ પરિણામ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમા એકાએક વધારો થયો છે. સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભરાવો થયો છે, સરવાળે દર્દીઓ માટે હવે બેડ ખૂટી રહ્યાં છે. જેમાં અમદાવાદમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. કોરોનાની સારવાર આપતી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 95% બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાયા છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમા માત્ર 5 ટકા બેડ ખાલી છેઅમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલ માત્ર 214 જેટલા બેડ ખાલી રહ્યા છે. એક તરફ તહેવારની ઉજવણી, ખરીદી અને બીજી તરફ ઠંડક વધતા કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ છે. અમદાવાદમાં કુલ 71 કોવિડ હોસ્પિટલમાં 2256 બેડ પર હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છેઅમદાવાદની જુદી જુદી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 2256 જેટલા બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે

AMC સંચાલિત svp હોસ્પિટલ પણ કોરોનો દર્દીઓથી ઉભરાઇ છે. અસારવા સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 700 થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 5 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો નોંધાયો છે.

કોરોનાની સ્થિતિમાં SVP હોસ્પિટલ બહારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાથે અનેક એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગેલી જોવા મળી છે. 108ના પાયલોટ અને દર્દીઓ પરેશાન દેખાઈ રહ્યાં છે. કલાકથી પણ વધુ સમય બાદ દાખલ કરવા તેમજ અન્ય હોસ્પિટલમાં પણ રીફર કરાતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓનો પણ વધતા કેસોને જોઈ જાણે અસમંજસમાં મૂકાયા હોય તેવું લાગે છે. માત્ર જાણીતા અને વગદાર લોકોને SVP માં સારવાર માટે દાખલ કરાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. SVP હોસ્પિટલમાં સામાન્ય લોકો સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે

દિવાળી પહેલા અમદાવાદમાં ખરીદી માટે લોકોએ તમામ નિયમોને નેવે મુકીને ખરીદી કરી હતી. બજારોમાં લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. ત્યારે  તંત્ર દ્વારા કોરોના વિસ્ફોટની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે હવે સાચી પડી રહી છે. બેખોફ બનીને લોકોએ જે ખરીદી કરી હવે અમદાવાદમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. સ્ફોટક સ્થિતી 16 નવેમ્બરથી જોવા મળી હતી. જેના પગલે નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ જઇને પેદા થયેલી વિકટ સ્થિતી અંગે વિચાર વિમર્શ કરીને વધારે વોર્ડ શરૂ કરવા માટેની જાહેરાત કરવાની ફરજ પડી હતી

(3:10 pm IST)