Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ભરુચ પોલીસને મોટી સફળતાઃ અંકલેશ્વરમાં થયેલી ત્રણ કરોડની લુંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા

લુંટ કરનારી ગેંગને સુરતના રાંંદેરમાંથી ઝડપી લઈ લુંટનો 2.73 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ : ગત તા 9મી નવેમ્બરના રોજ અંકલેશ્વરમાં આવેલી IIFL ગોલ્ડ ફાઈનાન્સ કંપનીમાં ઘુસી આવેલા હથિયારબંધ લુંટારૂઓએ સ્ટ્રોગરૂમ ખોલી સોનાના દાગીના અને રોકડ મળી રૂપિયા 3.32 કરોડની લુંટ કરી હતી, દિવાળી વખતે લુંટ થતાં ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને આઈજીપી હરિકુષ્ણ પટેલ હરકતમાં આવ્યા હતા અને તેમણે કોઈ પણ ભોગે લુંટારૂઓ સુધી પહોંચવા પોતાના સ્ટાફે તાકીદ કરી હતી, જેના પગલે ભરુચ પોલીસે રાત દિવસની મહેનત કરી લુંટ કરનારી ગેંગને સુરતના રાંંદેરમાંથી ઝડપી લઈ લુંટનો 2.73 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવાળીના તહેવાર વખતે જ લુંટ થતાં ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ મામલે તપાસ શરૂ કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકર જે એન ઝાલા સાથે મળી તપાસ શરૂ કરી હતી, આ તપાસમાં પ્રોબેશનર આઈપીએસ અતુલ બંસલ પણ જોડાયા હતા, એલસીબીની ટીમે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અંકલેશ્વરના પ્રવેશતા અને બહાર જતા તમામ રસ્તા ઉપરના સીસી ટીવી જોઈ તેમાં રહેલા શંકાસ્પદ વાહનોને અલગ તારવી તપાસ શરૂ કરી હતી જેમાં એક કાર શંકાસ્પદ હોવાનું તારણ મળતા એલસીબી સ્ટાફે તે તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.

એલસીબીની નજરમાં શંકસ્પદ કાર હતી તે સુરતના રાંદેર વિસ્તારની હોવાની જાણકારી મળતા ભરૂચ પોલીસ સુરત પહોંચી હતી, અને કાર માલિક સહિત તેના મિત્રોને લઈ ભરૂચ પોલીસ લઈ આવી હતી, પ્રારંભીક તબ્બકામાં સમગ્ર મામલે અજાણ હોવાનો ઈન્કાર કરતા આ યુવાનો પોલીસનો સામનો કરી શકયા નહીં અને તેમણે જ લુંટ કરી હોવાની કબુલાત કરી હતી, પોલીસે આ મામલે મોહસીન મલેક, મહોમદ નાખુદા, મહોસીન ખલીદા, અને સલીમખાનની ધરપકડ કરી તેમની પાસે રહેલા લુંટના 2.73 કરોડનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે આ ગેંગના બે સભ્યોએ 2017માં નવસારીમાં પણ લુંટ કરી હોવાની કબુલાત કરી હતી.

(12:35 am IST)