Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગાંધીજીના ગુજરાતમાં ગોડસેની પ્રતિમા ક્યાંય પણ મુકવા દેવામાં નહિ આવે : અમિત ચાવડા

ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાનો ઉદ્દેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ અને જનતા કદી સફળ નહિ થવા દે

અમદાવાદ :ભાજપના શાસનમાં ગુજરાતમાં અને એ પણ ગાંધી – સરદારની ભૂમિ પર ગાંધી વિચારને ખતમ કરીને ગોડસેની વિચારધારાનું જે શાસન ચાલે છે એનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે જામનગરમાં કેટલાક હિંદુ સેનાના નામે ભાજપ સમર્પિત લોકો દ્વારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવે છે અને એનો ઢંઢેરો પીટવામાં આવે છે કે, અમે ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના છીએ, જેનાથી જે થાય તે કરી લે અને કાયદા વિરૂદ્ધ જઈને આ પ્રતિમા પ્રસ્થાપિત થતી હોવા છતાં ભાજપ સરકારના નેતાઓ, તેમનું તંત્ર અને પ્રશાસન મુખપ્રેક્ષક બની ગાંધીની ભૂમિ ઉપર ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત થવા દે છે.

અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે વાત કરતા વધુમાં કહ્યું હતું કે, ચોક્કસ ગર્વ સાથે કહેવુ પડે અને જામનગરની જનતાને અભિનંદન આપવા પડે કે તેમણે ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમાને તોડી નાખવાનું આખુ જે અભિયાન હતું. તેને સમર્થન કર્યું.

ગુજરાતના લોકોએ ફરી બતાવી દીધુ છે કે, તમારી વિચારધારા ભલે ગોડસેને સમર્થન કરવાવાળી હોય, ગાંધીજીના હત્યારાને સમર્થન કરવાવાળી હોય પણ ગુજરાતના લોકો ક્યારેય ચલાવી નહી લે કે ગાંધીની ભૂમિ પર, ગાંધીના હત્યારા ગોડસેનું કોઈ સ્ટેચ્યુ મુકવામાં આવે.

આજે જામનગરનો બનાવ છે આવતી કાલે ગુજરાતમાં કોઈપણ ખૂણે, કોઈપણ એવી હિંમત કરશે તો કોંગ્રેસનો કાર્યકર અને ગુજરાતની જનતા દ્વારા આ ગાંધીજીના ગુજરાતમાં ગોડસેની પ્રતિમા ક્યાંય મુકવા દેવામાં આવશે પણ નહીં અને એની વાત પણ નહી થવા દેવાય, આ પ્રકારની જે પણ હિંમત કરશે એને કરારો જવાબ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ભારત દેશમાં અને ગુજરાતમાં ગાંધી વિચારધારા પર ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાનો ઉદ્દેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ અને જનતા કદી સફળ નહિ થવા દે, આવા હીન કૃત્યોનો વિરોધ કરવો એ દરેક ભારતીયની ફરજ છે.

 

આ અંગે પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે આવી કોઈપણ ઘટના અંગે રાજ્ય સરકાર સંવેદનશીલ છે.સરકાર તરફથી સૂચના આપવામાં આવશે.

(10:50 am IST)