Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સુરતમાંથી 62,000 જેટલી ફેક યુઝર આઈડી દ્વારા વ્યાજબી ભાવના 100 કરોડનું અનાજ ચાઉં થઇ ગયું : મનીષ દોશી

કોરોનાકાળ – લોકડાઉનમાં સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે સરકાર કેમ મૌન ?: કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ થાય અને અસરકારક પગલા ભરવા માંગ

અમદાવાદ :કોરોનાકાળ – લોકડાઉનમાં સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે સરકાર કેમ મૌન ? તેવા પ્રશ્ન સાથે રાજ્ય વ્યાપી કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ થાય અને અસરકારક પગલા ભરાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે.

ડો. દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી 62,000 જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના 100 કરોડ રૂપિયાનું અનાજ લોકડાઉન – કોરોના કાળમાં ચાઉં થઈ ગયું. લોકડાઉન અને કોરોનાકાળ સરકારી અનાજ કાળાબજાર કરનારાઓને ફાયદારૂપ થયું હોય તેમ ફેક યુઝર આઈ.ડી. બનાવી કરોડો રૂપિયાનું અનાજ કાળાબજારમાં સગેવગે કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યા પછી આજદિન સુધી આ દિશામાં ગંભીરતાથી તપાસ ના તથ્યો સામે આવ્યા નથી. જે રાશનકાર્ડ ગ્રાહકો નેશનલ ફ્રુડ સીક્યુરીટી એક્ટ હેઠળ અનાજ લેવા જતા ન હતા તેમના નામનો ફેક યુઝર આઈ.ડી. બનાવી કાળાબજાર કરનારી ટોળકીઓ બારોબાર આ અનાજને સગેવગે કરતા હતા.

તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લા – શહેરમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર કાળાબજારીયાઓ ચાઉં કરી ગયા. ભાજપ સરકારના આશીર્વાદથી કાળાબજારીયા – સંગ્રહખોરો દ્વારા સુનિયોજિત કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

દિયોદર જી.આઈ.ડી.સી.માં 8.64 લાખ, સુરેન્દ્રનગરમાં 24.70 લાખના અનાજના જથ્થા અંગે જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીઓ કેમ મૌન ? મધ્યાહન ભોજન હેઠળ મળવાપાત્ર ભોજનના હક્કથી બાવન લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને કોરોના કાળમાં વંચિત રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, આંગણવાડી – બાલકેન્દ્રોના લાખો બાળકો કોરોના કાળમાં પોષણયુક્ત આહારથી વંચિત રહ્યાં. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા – કાળાબજારીયા – સંગ્રહખોરો પર ભાજપ સરકાર પી.બી.એમ. હેઠળ કેમ પગલા ભરતી નથી ? સસ્તા અનાજના કે સરકાર દ્વારા જથ્થો ફાળવવામાં આવ્યો હોય તેનો ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે તે જુદા જુદા ગોડાઉનમાંથી પકડાય તેમ છતાં આવા કૌભાંડીઓ સામે કેમ ગંભીર પગલા ભરાતા નથી ? સસ્તા અનાજ માટેની વિતરણ વ્યવસ્થામાં અનાજ, ખાદ્યતેલ, ખાંડ, કેરોસીન અને દાળ બારોબાર સગેવગે થાય અથવા તો તે વ્યવસ્થામાં મોટી ગેરરીતિ હોય તે અંગે સરકાર કેમ મૌન ? જે સ્પષ્ટ દર્શાવે છે કે કાળાબજારીયા – સંગ્રહખોરો – અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદારની જેમ વટથી વેપાર – કામકાજ કરી રહ્યાં છે.

ડો. દોશીએ એમ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં 0 થી 16 ગુણાકવાળા 16, 19, 226 પરિવારો અને 17 થી 20 ગુણાકવાળા 15, 22, 005 પરિવારો એટલે કે ગુજરાતમાં અન્ન નાગરિક પુરવઠા પ્રમાણે 31, 41, 231 પરિવારો ગરીબી રેખા નીચે એટલે કે 1 કરોડ 88 લાખ કરતા વધુ નાગરિકો ગરીબી રેખા નીચે ગુજરાતમાં જીવન પસાર કરી રહ્યાં છે સરકારના અન્ય વિભાગ મુજબ 40 લાખથી વધુ ગરીબ પરિવારો એટલે કે જો રાજ્ય સરકાર સાચી રીતે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનું સર્વે કરે તો ગુજરાતમાં અઢી કરોડ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે. આ છે ગુજરાતમાં ભાજપ શાસનની વાસ્તવિકતા.

કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુ.પી.એ. ચેરપર્સન સોનિયા ગાંધીએ દેશના ગરીબ અને સામાન્ય પરિવારોને જીવન જીવવા માટે અન્ન સુરક્ષા કાયદો આપ્યો જે અન્વયે ગુજરાતમાં 54 ટકા પરિવારોને એટલે કે 3.50 કરોડ નાગરિકોને સીધો ફાયદો ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ નાગરિકોને મળવા પાત્ર અનાજનો જથ્થો મોટા પાયે સગેવગે કરવાનું કામ ભાજપ શાસનમાં અનાજ માફિયાઓ કરી રહ્યાં છે.

(10:27 pm IST)