Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધોરણ-10માં ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક એમ બે વિકલ્પ પૈકી એક જ વિકલ્પ ભરવાનો રહેશે

પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ 22 નવેમ્બરથી ભરવામાં આવશે: વિદ્યાર્થી જે વિકલ્પ ફોર્મ ભરતી વખતે પસંદ કરશે પરીક્ષામાં તે પ્રમાણેના પ્રશ્નપત્ર અપાશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ 22 નવેમ્બરથી ભરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણીત બેઝિક એમ બે વિકલ્પ પૈકી એક વિકલ્પ ભરવાનો રહેશે. વિદ્યાર્થી જે વિકલ્પ ફોર્મ ભરતી વખતે પસંદ કરશે પરીક્ષામાં તે પ્રમાણેના પ્રશ્નપત્ર આપવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10માં ગણિતમાં બે વિકલ્પ આપ્યા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ધોરણ-10 પછી આગળ ગણિત વિષય સાથે અભ્યાસ કરવા માંગતા નથી તેમના માટે ગણિત બેઝિક અને જે વિદ્યાર્થીએ ધોરણ-10 પછી આગળ ગણિત સાથે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય લેવામાં આવ્યા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 ગણિત વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષામાં ગણિત વિષયમાં લેવામાં આવતું પ્રશ્નપત્ર ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું રહેશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત ગણિત બેઝિક માટેની માહિતી વિદ્યાર્થીઓ અને સ્કૂલો માટે જાહેર કરી હતી. હવે જ્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ 22 નવેમ્બરથી ભરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પરીક્ષા માટેના ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક આ બંને વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ અંગેની સુચનાઓ બોર્ડના ફોર્મ ભરવાની સુચનાઓમાં પણ જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા માર્ચ-2022માં લેવામાં આવનાર છે. જેમાં ધોરણ-10માં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પેપર લેવામાં આવશે. જોકે, તે પહેલા જાન્યુઆરી – 2022માં ધોરણ-10ની પ્રિલિમ પરીક્ષા યોજવામાં આવનાર છે. આ પરીક્ષામાં પણ ધોરણ-10ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક આ બે પ્રકારના પ્રશ્નપત્રો પૈકી વિદ્યાર્થીએ પસંદ કરેલા વિકલ્પ મુજબ પ્રશ્નપત્ર આપવામાં આવશે. આ અંગે બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને આચાર્યોને પણ જાણ કરી હોવાનું જાણવા મળે છે.

(10:37 pm IST)