Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર ઓડા રેલ્વે બ્રિજ પર થયેલ વિસ્ફોટ કેસમાં એક કિશોર સહિત ત્રણ આરોપીઓની અટકાયત

 

-----રાજસ્થાન SOG એ ધૂલચંદ મીણા , પ્રકાશ મીણા  અને એક 17 વર્ષના કિશોરની ઓડા બ્રિજ વિસ્ફોટના કેસમાં અટકાયત કરી

ફોટો udepur

અમદાવાદ :  રાજસ્થાન પોલીસે ગત શનિવારે ઉદયપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર ઓડા રેલ્વે બ્રિજ પર થયેલા વિસ્ફોટ કેસમાં એક કિશોર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, આ ઉપરાંત અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી આ વિસ્ફોટક મળી આવ્યું હતું. આ અંગે રાજસ્થાન પોલીસના અધિક પોલીસ મહાનિર્દેશક (ATS અને SOG) અશોક રાઠોડે જણાવ્યું હતું કે SOG એ ધૂલચંદ મીણા , પ્રકાશ મીણા  અને એક 17 વર્ષના કિશોરની ઓડા બ્રિજ વિસ્ફોટના કેસમાં અટકાયત કરી છે.

તેમણે જણાવ્યું કે રેલવે અને હિન્દુસ્તાન ઝિંકે 1974-75 અને 1980માં ધુલચંદ મીણાની જમીન અધિગ્રહણ કરી હતી, જેના માટે તેમને વળતર કે નોકરી મળી ન હતી. તેમણે કહ્યું કે તે આ માટે ઘણા વર્ષોથી સતત પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ક્યાંયથી મદદ ન મળવાને કારણે તેણે ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો.અધિકારીએ જણાવ્યું કે ઘટનાના દિવસે બાઇક પ્રકાશ ચલાવતો હતો અને કિશોર આરોપી તેની સાથે હતો. ટ્રેન છોડ્યા બાદ તેઓએ બંને રેલ્વે ટ્રેક પર બોમ્બના બંડલ મૂકીને આગ લગાવી દીધી હતી. તેણે જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ આ વિસ્ફોટકો અંકુશ સુવાલકા નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હતા. જેને પણ પોલીસે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે રાત્રે ઉદયપુર-અમદાવાદ રેલ રૂટ બ્લાસ્ટમાં મોટી દુર્ઘટના ટળી હતી. બીજી તરફ વિસ્ફોટ બાદ રેલવેએ સોમવારે સવારથી ફરી એકવાર ટ્રેક પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દીધું હતું. જણાવી દઈએ કે આ ઘટના બાદથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA), ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)સાથે રાજસ્થાન પોલીસની ATS બ્રાન્ચ, ગુજરાત STFની ટીમો સંયુક્ત રીતે કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બ્લાસ્ટમાં કોઈ રીઢા ગુનેગારનો હાથ હોઈ શકે છે જે આતંકવાદી કે નક્સલવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.

(9:08 pm IST)