Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નડિયાદ તાલુકાના પાલૈયા ગામે બોગસ તબીબની રંગે હાથે ધરપકડ

નડિયાદ:તાલુકા પાલૈયા શક્તિપુરામાંથી એસઓજી પોલીસે એક બોગસ તબીબને ઝડપી પાડતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બોગસ તબીબે બી.એ.એસ.એમ.નો અધુરો અભ્યાસ કરેલ છે. તેની પાસેથી પોલીસે રૂ. ૧,૨૬,૬૦૧લાખની એલોપેથિક દવાઓ તેમજ ડોક્ટરી પ્રેક્ટિસ કરવાના સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સંદર્ભે મહોળેલ પીએચસીના મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશ્નર એક્ટ ૧૯૬૩ અધિનિયમ ૩૦ આઈપીસી ૩૩૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડા જિલ્લા એસ ઓ જી પોસઈ જે.વી.વાઢિયાને બાતમી મળેલ કે નડિયાદ તાલુકાના પાલૈયા શક્તિપુરા માં રહેતો વિનોદ પૂનમ ભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) પોતાના રહેણાંક ઘરે તબીબની ડીગ્રી ન હોવા છતાં એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરે છે. જે બાતમી આધારે એસ.ઓ.જી પોલીસે પોતાના સ્ટાફના જવાનો બે પંચો સાથે વિનોદ વાઘેલા ના મકાન પર દરોડો પાડયો હતો. તે પોતાના ઘરની એક રૂમમાં દવાખાનું ચલાવતો હતો. તેણે રૂમમાં મુકેલ કબાટના ખાનાઓમાં દવાઓના ખોખાઓ ગોઠવ્યા હતા. પોલીસે તબીબની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વિનોદ પુનમભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે તબીબી પ્રેક્ટિસ કરવા સારું તેમજ એલોપેથીક દવાઓ રાખવા બાબતે કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોય તો રજૂ કરવા જણાવતા વિનોદે પોતાની પાસે મેડિકલ ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવા બાબતે કોઈ લાયસન્સ નથી કે ગુજરાત કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછતાછ કરતા તેણે બી.એ. એસ.એમ. નો અધુરો અભ્યાસ કરેલ છે. જેથી તે એલોપેથીક દવાઓ આપી શકતો નથી તથા સારવાર કરી શકતો નથી. પોલીસે તેના મકાનમાંથી અલગ અલગ દવાઓ તથા ઇન્જેક્શનનો જથ્થો કિંમત રૂ. ૧,૨૬,૬૦૧.૦૭ પૈસાનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બનાવ સંદર્ભે વિનોદ પૂનમભાઈ વાઘેલા વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે મહોળેલ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)