Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરામાં સાસરીયાઓના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળી પરણીતાએ પોતાના હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પણ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ સાથે મારઝૂડ કરતા શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી પરણીતાએ પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, તારા કારણે મારો ખરાબ સમય આવ્યો છે, મને છૂટાછેડા આપી દે તેમ જણાવી પતિ ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે .

મૂળ કરજણની રહેવાસી અને હાલ શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018 દરમ્યાન આગ્રા ખાતે અનસુલ રાજકુમાર ગુપ્તા (રહે -આત્મીય હાઈટ્સ, માણેજા ક્રોસિંગ પાસે ) સાથે થયા હતા. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, લગ્ન બાદ ચાઈના ફરવા જતા ખોટી શંકા રાખી પતિએ મને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ચાઇનાથી આગ્રા પરત આવતા પતિ તથા સાસુ-સસરાએ મને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. પતિની નોકરી કરજણ ખાતે થતા મારા માતા પિતાએ  ઘરવખરીનો સામાન વસાવી આપ્યો હતો. પતિ ગુસ્સાવાળા સ્વભાવના હોય અવારનવાર છૂટી ચીજ વસ્તુઓ મારી તેમજ મારઝુડ કરતા હતા. તેમજ પતિ અવારનવાર પિયર માંથી નાણાંની માંગ કરતા હું લાવી આપતી હતી. પતિના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે મે મારા હાથની નસ કાપી નાખી હતી. અમદાવાદ મારા સંબંધીના લગ્ન પ્રસંગમાં મારા પતિએ સંબંધીઓ સાથે સભ્ય વર્તન કરી મારા સંબંધીઓ સાથે મને સંબંધ ન રાખવા દબાણ કર્યું હતું. માઉન્ટ આબુ ફરવા જતા પતિએ નશાની હાલતમાં મને ઢોર માર્યો હતો. સાસુ સસરા પતિને ખોટી ચઢામણી કરી જણાવતા હતા કે, તારી સાથે લગ્ન કરી મારો દીકરો ફસાઈ ગયો છે, અમારી જ્ઞાતિમાં લગ્ન કરાવ્યા હોત તો દહેજમાં ગાડી બંગલો અને લાખો રૂપિયા આવે તેમ હતા. પતિના રૂપાલી નામની મહિલા સાથે સંબંધ હોય અવારનવાર તેના ફોન આવતા તે બાબતે પૂછતા ઉસકેરાઈ મને માર મારતા હતા. અવારનવાર ઝઘડા બાદ પરિવારજનોની મધ્યસ્થીથી સમાધાન થતું હતું. તું મારા માટે .....છે, તારા કારણે મારો ખરાબ સમય આવ્યો છે, મને છૂટાછેડા આપી દે તેમ પતિ જણાવતા હતા. જુલાઈ મહિના દરમિયાન પતિએ મને ઘરમાંથી કાઢી મુકતા હું પિયરમાં ઓશિયાળુ જીવન ગુજારું છું.

(6:15 pm IST)