Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

મહિલાને બેસણાંમાંથી ઓમિક્રોનનો ચેપ લાગ્યો

રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ : બેસણાંમાં ઝિમ્બાવવેથી આવેલા ત્રણેય સંબંધીના રિપોર્ટ નેગેટિવ, મહિલાને ચેપ લાગતા આરોગ્ય તંત્રની ચિંતા વધી

મહેસાણા,તા.૧૭ : મહેસાણામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કેસ નોંધાતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે પાંચ પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈની મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકાસ્પદ નમૂનાની તપાસ ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટે મોકલાયા હતા. જેમાં ઓમિક્રોનની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બીજી તરફ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ પોઝિટિવ મહિલા ગયા અઠવાડિયે એક બેસણાંમાં પોતાની સાસુ સાથે ગઈ હતી અને ત્યાં ઝિમ્બાવવેથી આવેલા ત્રણ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઝિમ્બાવવેથી આવેલા આ ત્રણેય વ્યક્તિઓના ક્વોરેન્ટાઈન દરમિયાન ૩-૩ વાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ નેગેટિવ આવ્યા હતા.

         જો કે, આ ત્રણેય વ્યક્તિઓ જે બેસણાંમાં ઉપસ્થિત હતા એમાં આવેલી મહિલાનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેનાથી તંત્ર દ્વારા મહિલાના સંપર્કમાં આવેલા અન્ય લોકોને શોધવા મથી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સાથે અન્ય બે લોકોની તબિયત લથડતા એમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે બે દિવસ પહેલા પોઝિટિવ આવતા તેમના પણ નમૂના ઓમિક્રોનની તપાસ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધારે ૨૦, વડોદરામાં ૧૨, સુરતના ૧૦, રાજકોટના ૭, ગાંધીનગરના ૫ અને જામનગરના ૩ કેસનો સમાવેશ થાય છે.

(8:58 pm IST)