Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

અમદાવાદમાં દર્દીને બેનની જગ્યાએ ભાઈ બનાવી દીધા? : એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનો મહા છબરડો

રાજસ્થાનના મહિલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું: સિવિલ હોસ્પિટલ તથા મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે ફગોળતાં દર્દીના સગાં: ન્યાય આપવા તંત્રને રજુઆત

અમદાવાદ :નામ અને અટક લખવામાં થતી માનવીય ભૂલનો ભોગ નાગરિકો અવારનવાર બનતા હોય છે. તેમાંય સરકારી રેકોર્ડમાં ભૂલ થવાના કારણે વ્યક્તિ નાહકનો હેરાન પરેશાન થઈ જાય છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું બિરુદ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સિવાય પાડોશી રાજ્યોના દર્દીઓ સારવાર માટે આવે છે. આવા જ એક રાજસ્થાનના મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

સિવિલ હોસ્પિટલે આપેલ દસ્તાવેજમાં દર્દી કેશરબાઈ લખેલું હતું પરંતુ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા અપાયેલા મરણ સર્ટિફિકેટમાં કેશરબાઈ ની જગ્યાએ કેશરભાઈ લખેલું છે. એટલું જ નહીં પરંતુ જાતિમાં સ્ત્રીની જગ્યાએ પુરુષ લખેલું છે. આ ભૂલ કોની ? છતાં તે સુધરાવવા માટે દર્દીનાં સગાં આમથી તેમ ફૂટબોલની જેમ સિવિલ હોસ્પિટલ તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે ફંગોળાયા કરે છે.

બન્ને વિભાગો એકબીજા વિભાગ પર દોષારોપણ કરી રહ્યાં છે. જેના કારણે દર્દીના સગા નાહકના હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આખરે આ અંગે અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે મ્યુનિ. કમિશનર તથા સિવિલ હોસ્પિટલના સુપ્રીટન્ડન્ટને પત્ર લખીને દર્દીના સગાનો પ્રશ્ન ઉકેલીને તેમને વહેલી તકે ન્યાય આપવા રજૂઆત કરી છે.

અસારવાના સામાજિક કાર્યકર સંજય પટેલે ઉપરોક્ત સત્તાધીશોને ઉદ્દેશીને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે, ગત તા. 22-11-2021નાં રોજ સિવીલ હોસ્પિટલમાં રાજસ્થાનનાં ચિત્તોડગઢના વતની કેશરબાઈ રોશનલાલ સોની ગંભીર હાલતમાં સારવાર અર્થે દાખલ થયા હતા. પરંતુ તે જ દિવસે તેણી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. સિવીલ હોસ્પિટલનાં સત્તાવાળાઓએ મૃતદેહ સોંપતી વખતે તેમનાં સગાંને ડેથ સ્લીપ આપી હતી.

જેમાં મૃતક મહિલા કેશરબાઈ રોશનલાલ સોની જ લખાણ બરોબર જ લખ્યું હતું પરંતુ દુ:ખદની વાત એ છે કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનાં સત્તાવાળાઓએ મૃતકનું જે મરણ સર્ટીફીકેટ આપેલ છે. તેમાં કેશરબાઈની જગ્યાએ કેશરભાઈ અને જાતિમાં સ્ત્રીની જગ્યાએ પુરૂષ દર્શાવેલ છે. આ ગંભીર છબરડો સુધારવા મૃત્તકનાં સગાં ફૂટબોલની જેમ સિવીલ હોસ્પિટલ અને કોર્પોરેશન કચેરી વચ્ચે ફંગોળાયા કરે છે.

મ્યુ. સત્તાવાળાઓ જણાવે છે કે સિવીલ હોસ્પિટલ જે ડેથ સ્લીપ મોકલાવે તે પ્રમાણે મરણનું સર્ટીફીકેટ બનાવવામાં આવ્યુ છે. જો સિવીલ હોસ્પિટલનાં સત્તાવાળાઓએ કોર્પોરેશનને જે ડેથ સ્લીપ મોકલાવી હોય તેમાં કેશરબાઈની જગ્યાએ કેશરભાઈ લખી મોકલ્યુ હોય તો તેમાં વાંક કોનો ? મૃત્તકનાં સગાંને હેરાનગતી કરવા માટે જવાબદાર કોણ ? આ અંગે સિવીલ હોસ્પીટલનાં સત્તાવાળા અને મ્યુ. કોર્પોરેશનનાં સગાવાળાઓએ એકબીજા ઉપર દોષારોપણ ઠાલવવાને બદલે મૃતકનાં સગાંને ન્યાય આપી મૃતકનાં મરણ સર્ટીફીકેટમાં સુધારો કરી આપવા માંગણી કરી છે.

(10:36 pm IST)