Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

અમદાવાદમાં ૩ વિદ્યાર્થીને કોરોના વળગ્યો

૭ દિવસ માટે સ્કુલ બંધ કરીઃ વિદ્યાર્થીના સમગ્ર પરીવારના કોરોના ટેસ્ટ કરાવાયાઃ ૨ ઘરમાં બાળકો સંક્રમીત હતા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સ્કૂલના બાળકો સંક્રમિત થયા હોવાની ઘટના ઘટી છે. મુંબઈ પછી અમદાવાદની પણ બે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટવ આવ્યા હોવાની ઘટના સામે આવી છે. એસ.જી.હાઈવે પર આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ઉદગમ સ્કૂલની એક વિદ્યાર્થિની પોઝિટવ આવી છે.

વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાની જાણ થતાં જ ડીઈઓ દ્વારા નિરમા સ્કૂલને સાત દિવસ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદના એસ.જી.હાઈવે પર છારોડી ખાતે આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા અનુસાર વાલીઓએ પોતાના ઘરમા આવેલા અન્ય સંક્રમિત દર્દીઓને ધ્યાને લઈને સમગ્ર પરિવારના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં બે ઘરમાંથી બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ હતું.

તે પછી વાલીઓએ સ્કૂલને જાણ કરી હતી. કોરોના પોઝિટિવ થયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પ્રાથમિક શાળાનો છે અને બે વિદ્યાર્થી માધ્યમિકનાં છે. જેમાં એક વિદ્યાર્થી ધોરણ ૯નો અને એક ધોરણ ૧૧નો છે. આ બંને વિદ્યાર્થી એક જ ઘરનાં છે. આ બંને બાળકોના પિતા કોરોના પોઝિટિવ આવતા બાળકો સહિત અન્ય સભ્યોએ પણ ટેસ્ટ કરાવ્યો હતો. તે પછી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસ પહેલા સુરતમાં પણ બે સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા હતા અને બંને સ્કૂલો બંધ કરાઈ હતી. તો અત્યારે મુંબઈની એક શાળામાં ૧૬ વિદ્યાર્થી સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આમ બીજી લહેર બાદ હવે કોરોનાના વધતા કેસોમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થવાની ઘટનાઓ સતત સામે આવતા ચિંતામાં વધારો થયો છે. 

(2:57 pm IST)