Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં કાલે ગ્રામ પંચાયતની ચૂંટણી, બેલેટ પેપરથી મતદાન યોજાશે

મતદાન પુર્વે ગામડાઓમાં ભારે ઉત્સાહ : ભજીયા ગાંઠીયાની પાર્ટીની રંગત જામશે : વિરમગામ તાલુકામાં રવિવારે ૫૦ ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજશે અને સરપંચની ચુંટણીમાં ૧૩૧ ઉમેદવારો, સભ્યની ચુંટણીમાં ૫૬૬ ઉમેદવારોએ જંપલાવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં ગ્રામપંચાયતની ૧૯મી ડીસેમ્બરને રવિવારે ચુંટણી થશે. જીલ્લામાં ૪૧૦ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૧ બેઠકો અને સભ્યની ૧૭૦૧ બેઠકો બિનહરીફ થઇ હતી અને અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચમાં ૧૧૭૯ ઉમેદવારો અને સભ્યમાં ૩૯૬૦  ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારો ચુંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે અને શનિવારે મતદાન પુર્વે ગામડાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોને રીજવવા માટે ગામડાઓમાં ભજીયા ગાંઠીયાની પાર્ટીની રંગત જામશે. શનિવારે શેઠ એમ જે હાઇસ્કુલ વિરમગામ ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી ગ્રામપંચાયતના મતદાર વિભાગના મતદાન મથકોની ડીસ્પેચીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચૂંટણી સ્ટાફનું મતદાન મથકો પર આગમન થયુ હતુ. ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જીલ્લા વહિવટી તંત્ર, તાલુકા વહિવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. વિરમગામ તાલુકામાં રવિવારે ૫૦ ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજશે અને સરપંચની ચુંટણીમાં ૧૩૧ ઉમેદવારો તથા સભ્યની ચુંટણીમાં ૫૬૬ ઉમેદવારોએ જંપલાવ્યુ છે. 

(4:21 pm IST)