Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કલોલના છત્રાલમાં ભંગારના ગોડાઉનમાં તપાસ માટે ગયેલ કોન્સ્ટેબલને માથામાં લોખંડના પાઇપ મારી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પાંચ વર્ષની કેદની સુનવણી

ગાંધીનગર: જિલ્લાના કલોલના છત્રાલમાં પાંચ વર્ષ અગાઉ ભંગારના ગોડાઉનમાં તપાસ માટે ગયેલા પોલીસ કોન્સ્ટેબલને માથામાં લોખંડની પાઈપ મારી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી ગાંધીનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે તેમજ રપ હજાર રૃપિયાનો દંડ ભરવા પણ હુકમ કર્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ કડી રોડ ઉપર આર.કે.પેપર મીલની સામે ભંગારની વખાર ચલાવતાં સત્યનારાયણ અમૃતરામ કોઠારીને ત્યાં ગત તા.૪ ડીસેમ્બર ર૦૧૬ના રોજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અરવિંદકુમાર ચંદુલાલ દંતાણી તપાસ કરવા માટે ગયા હતા. જે દરમ્યાન આરોપી સત્યનારાયણ ઉશ્કેરાઈ ગયો હતો અને કોન્સ્ટેબલના માથામાં લોખંડની પાઈપ મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે હત્યાનો પ્રયાસ અને સરકારી અમલદાર ઉપર હુમલાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી એન.સી.રાવલની કોર્ટમાં ચાલ્યો હતો. જયાં સરકારી વકીલ જીગ્નેશ જોષીએ સાક્ષીઓ અને ડોકટરની જુબાની લીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીને કાયદામાં દર્શાવેલી પુરેપુરી સજા કરવા દલીલ કરી હતી. જેના પગલે કોર્ટે આઈપીસી કલમ ૩૩૩માં આરોપીને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રપ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. ઈજા પામનાર કોન્સ્ટેબલને વળતર પેટે રપ હજાર રૃપિયા ચુકવવા પણ કોર્ટે આદેશ કર્યો હતો. 

(5:27 pm IST)