Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

તારાપુરમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બાતમીના આધારે ઝડપવામાં આવ્યું

તારાપુર : તારાપુરમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. તારાપુર મોરજ રોડ પરની એ.એમ.એગ્રો નામની રાઈસમીલમાં આઇસર ગાડીમાંથી ઉતારાતું ૨૧૦ કટ્ટા સરકારી અનાજ એસ.ઓ.જી. દ્વારા બાતમીનાં આધારે ઝડપી પાડવામાં આવ્યું હતું. 

૭૫૦૦ કિલો ઘઉં તથા ૩૦૦૦ કિલો ચોખા સાથે ૬ લાખ ૯૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એસ ઓ જી તથા તારાપુર મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારાપુર મોરજ રોડ પરની એ એમ એગ્રો નામની રાઈસ મીલમાં આઇશર ગાડીમાંથી સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર ઉતારવામાં આવતો હોવાની બાતમી મળતા ગુરૂવારની રાત્રે લગભગ દસથી અગિયાર વાગ્યાના અરસામાં એસ.ઓ.જી ની ટીમ દ્વારા બાતમીના આધારે તારાપુર મોરજ રોડ પરની કેનાલ પાસે આવેલી એ.એમ.એગ્રો નામની  રાઈસમીલ પર દરોડો પાડતાં આઇસર ગાડીમાંથી સરકારી અનાજના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનાં ૨૧૦ કટ્ટા અનાજ ગાડીમાંથી રાઈસમીલ પર ઉતારતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૫૦ કટ્ટા ઘઉં તેમજ ૬૦ કટ્ટા ચોખાના હતા. આ દરોડામાં ૧૦,૫૦૦ કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાતા તારાપુર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

૨૧૦ કટ્ટા સરકારી અનાજ સાથે ઝડપાયેલ આઇસર ચાલક મોહમ્મદ સલીમ મોહમ્મદ હુસૈન શેખ (રહે.ખુરજા મહોલ્લા,ખંભાત)ને અનાજનાં કટ્ટા વિશે પૂછતાં સરકારી અનાજના ઘઉં તથા ચોખા ભર્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઝડપાયેલ સરકારી અનાજનું બિલ કે અન્ય રસીદો માગતાં પાસે નહિ હોવા નું જણાવ્યું હતું, તથા બીજી સંતોષકારક માહિતી આપવામાં ન આવતા મુદ્દામાલ સાથે તારાપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. એસ.ઓ.જી દ્વારા ઝડપાયેલા આઇશર ચાલક વિરૂધ્ધ  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:29 pm IST)