Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

સુરતના સરથાણા વિસ્તારમાં લગ્નના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ગઠિયા છૂમંતર.....

સુરત: શહેરના સરથાણા ગઢપુર રોડ મંગીબા ફાર્મમાં અઠવાડીયા અગાઉ યોજાયેલા સમૂહ લગ્નમાં ટાઈલ્સ લગાડવાની મજૂરી કરતા આધેડે જમાઈને આપવા લીધેલા રૂ.1.12 લાખની મત્તાના સોનાચાંદીના દાગીના સાથેની બેગ નાની પુત્રી વિધિ માટે મંડપમાં આવી ત્યારે નજર ચૂકવી કોઈક ચોરી ગયું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના મહુવાના તલગાજરડા ગામના વતની અને સુરતમાં પુણા ગામ રણુજાધામ સોસાયટી મકાન નં.281 માં રહેતા તેમજ ટાઈલ્સ લગાડવાની મજૂરી કરતા 48 વર્ષીય પ્રવિણભાઈ ભીમજીભાઈ લાડવાએ ગત 11 મી ના રોજ સરથાણા ગઢપુર રોડ મંગીબા ફાર્મમાં યોજાયેલા સમૂહ લગ્નમાં પુત્ર કલ્પેશ અને પુત્રી ધર્મિષ્ઠાના લગ્ન યોજ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે પહોંચી પ્રવિણભાઇ મંડપમાં પત્ની સાથે વિધિમાં બેઠા હતા ત્યારે જમાઈને આપવા માટે સોનાનું મંગલસુત્ર, સોનાની વીંટી, હાથમાં પહેરવાની ચાંદીની લકી, ચાંદીના ગણપતીની મુર્તિ મળી કુલ રૂ.1,11,620 ની મત્તાના સોનાચાંદીના દાગીના કપડાંની બેગમાં મૂકી બેગ પુત્રી સ્નેહાને સાચવવા આપી હતી.

લગભગ 4.30 વાગ્યે સ્નેહાને વિધિ માટે મંડપમાં બોલાવતા તે બેગ મંડપમાં મૂકી આવી હતી. થોડીવાર બાદ તેને બેગ મળી નહોતી. આજુબાજુ તપાસ કરતા બેગ નહીં મળતા અને સમૂહ લગ્નનું વિડીયો શુટીંગ જોતા તેમાં પણ કોઈ શંકાસ્પદ વ્યકિત નજરે નહીં ચઢતા છેવટે ગતરોજ પ્રવિણભાઈએ અજાણ્યા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

(5:29 pm IST)