Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

પેપર લીક કાંડમાં તમામ આરોપીઓ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે

પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 સામે પ્રાંતિજમાં ફરિયાદ નોંધાઈ: સરકાર આ પરીક્ષા રદ કરવા મામલે ટૂંક સમયમાં બેઠક બોલાવી જાહેરાત કરશે

અમદાવાદ :ગત રવિવારે હેડક્લાર્કની પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતાં હોબાળો મચ્યો હતો અને પછી તપાસનો ધમધમાટ પણ શરૂ થયો હતો. ત્યારે સરકારે પેપર ફૂોટ્યાનું કબૂલ્યું હતું. આ સાથે જ પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 સામે પ્રાંતિજમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે તમામ આરોપીઓ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે. સરકાર વતી સંઘવીએ જણાવ્યું કે આ કેસના સૂત્રધાર તરીકે સરકારમાં રહેલાં કે પરીક્ષા લેનારાં જે કોઇ વ્યક્તિ સંકળાયેલાં હશે તેમની સામે પણ તપાસ કરાશે. સરકાર આ પરીક્ષા રદ કરવા મામલે ટૂંક સમયમાં બેઠક બોલાવી જાહેરાત કરશે એમ પણ એમણે જણાવ્યું હતું. આ પેપરલીક કાંડમાં પ્રશ્નપત્ર પ્રેસમાંથી બહાર લાવી આપનાર વ્યક્તિ સરકારી છે અને તે હજુ પોલીસની પહોંચથી બહાર છે.

આ કેસમાં પોલીસે છ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં 11 લોકો સામે મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ મામલે સંઘવીએ કહ્યું કે, આખા દેશમાં ક્યારેય પેપર લીક કરવાના ષડયંત્રમાં સંકળાયેલાં લોકો સામે ક્યારેય ન લેવાયેલાં પગલાં આગામી દિવસોમાં આ કેસમાં લેવા જઇ રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે આપણી પાસેના સૌથી મજબૂત કાયદા ગુજસીટોકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેની ચર્ચા ચાલુ છે. ટૂંક સમયમાં આ કેસમાં આ કલમો ઉમેરાશે. ભવિષ્યમાં કોઇ આવી હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા અમે આમ કરી રહ્યાં છીએ.

ગૌણ સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ અસિત વોરા સામે આ કેસને બહાર લાવનારા આપના નેતા યુવરાજ જાડેજા શંકાની સોય તાકી રહ્યા છે. હવે ગુજરાત પોલીસ અસિત વોરાની પણ ઊલટ તપાસ કરવા જઇ રહી છે. આ મામલે સંઘવીએ કહ્યું કે, અમારી તપાસ 360 ડિગ્રીની રહેશે, એટલે કે આમાં પરીક્ષા સાથે સંકળાયેલાં તમામ લોકો વિરુદ્ધ તપાસ કરાશે, તેમાં જો પોલીસ હોય, પેપર લઇ જનારાં, પેપર સેટર, પેપર છાપનારાં કે પરીક્ષા લેનારી સંસ્થાની કોઇ વ્યક્તિ હોય તેની વિરુદ્ધ અમારી તપાસ ચાલુ છે, કોઇ શંકાના દાયરાથી બહાર નથી.

તમામ આરોપીઓ વિરૂધ્ધ હાલમાં વિશ્વાસઘાતની આઇપીસી 406,409 અને 420 અને 120-બી ધારાઓ લગાવાઇ છે. જેમાં આઇપીસી 406 માં મહત્તમ 3 વર્ષ આઇપીસી 409માં મહત્તમ 10 વર્ષથી આજીવન કારાવાસ અને દંડ તથા આઇપીસી 420 માં મહત્તમ 7 વર્ષ અને દંડની જોગવાઇ છે.

ગુજરાત સરકારે બે વર્ષ પહેલાં 1 ડિસેમ્બર, 2019થી આ કાયદો લાગુ કર્યો છે. આ કાયદાની કલમો હેઠળ આતંકવાદી કૃત્ય ઉપરાંત સંગઠિત ગુનાખોરી સહિતના ગંભીર ગુનામાં આ કાયદાની કલમો લાગુ કરી શકાય છે. ગુનો નોંધતા પહેલાં આઇજીપી કે પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડે છે. એસીપી કે ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરે છે અને સાબિત થાય તો ગુનેગારને પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ તથા પાંચ લાખથી ઓછો નહીં તેવો દંડ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં મૃત્યુદંડની સજાની જોગવાઇ છે.

પેપર લીક કાંડનો પર્દાફાશ કરનાર આપના નેતા યુવરાજ જાડેજાએ એકાએક રંગ બદલતા કહ્યું હતું કે, આસિત વોરાને કાયમી રીતે હટાવી દેવામાં આવે એવું અમે ઇચ્છતા નથી, પરંતુ તપાસ ચાલુ છે ત્યાં સુધી અન્ય કોઈને ચાર્જમાં મુકાય. હર્ષ સંઘવીને ઉદ્દેશીને કહ્યું કેે, અમારી પાસેથી પુરાવા લો અને તે મુજબ તપાસ કરો.

(6:58 pm IST)