Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કોરોના સંક્રમણ કાળમાં પલ્મોનોલોજીસ્ટ અને સમગ્ર તબીબી જગતની સેવાઓ માનવ સમાજ માટે ઇશ્વર જેવી પૂરવાર થઇ છે:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ કહ્યું -થોરાસીક એન્ડોસ્કોપી સોસાયટીની ત્રિદિવસીય કોન્ફરન્સ તબીબી જ્ઞાન-વિજ્ઞાનને એક પેઢીથી બીજી પેઢી સુધી લઇ જવાનો ઉપક્રમ બનશે:થોરાસીક એન્ડોસ્કોપી કોન્ફરન્સ-ટેસ્કોન-ર૦ર૦માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયન, થોરાસીક સર્જન સહિતના તબીબી જગતે કોરોના કાળમાં સમગ્ર માનવ સમાજની ઇશ્વરીય સેવા કરી છે.
કોરોનાએ છાતી, ફેફસાને લગતા રોગો પ્રત્યે હવે સામાન્યમાં સામાન્ય માનવીને સજાગ કર્યા છે અને પલ્મોનોલોજીસ્ટ શબ્દ ઘરે-ઘરે પહોચી ગયો છે એમ તેમણે કહ્યું હતું.
  ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં યોજાઇ રહેલી થોરાસીક એન્ડોસ્કોપી કોન્ફરન્સ ટેસ્કોન-ર૦ર૦માં દેશના વિવિધ રાજ્યોના તજજ્ઞો, નિષ્ણાતો સાથે કોન્ફરન્સના બીજા દિવસે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ટેસ્કોન-ર૦ર૦ના છત્ર નીચે તબીબી વિજ્ઞાન જગતના આધુનિક યુગના ઋષિમૂનિઓ આ પરિષદમાં માનવ જગતના સ્વાસ્થ્ય-સેવા-સારવાર માટે સમૂહ ચિંતન-મનન કરવાના છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ચરક, સુશ્રુત, પતંજલિ જેવા પ્રાચીન ઋષિઓએ ભારતમાં આયુર્વિજ્ઞાનનો પાયો નાંખી રોગની સારવાર-સેવાની પરંપરામાં ખેડાણ કર્યુ હતું.
વર્તમાન સમયમાં મેડીકલ સાયન્સ પણ એવું જ વિસ્તરી રહેલું ક્ષેત્ર છે અને એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી જેવી પદ્ધતિઓથી છાતી-ફેફસાના રોગમાં સારવાર કારગર સાબિત થઇ શકે તેમ છે એમ પણ ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારૂં મંથન તબીબી જગતના આ ક્ષેત્રના જ્ઞાન-વિજ્ઞાનને એક પેઢીથી બીજી પેઢી સુધી લઇ જવાનો ઉપક્રમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
ર૦૧રમાં સ્થપાયેલી આ સોસાયટીની આ પાંચમી નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ ઉત્કૃષ્ટ સારવાર-સેવા માટે બે વરિષ્ઠ તબીબો રાજસ્થાનના શ્રી વિક્રમ જૈન અને લખનૌના રાજેન્દ્ર પ્રસાદને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
આ કોન્ફરન્સમાં સોસાયટીના પ્રમુખ સરકાર, સેક્રેટરી ગુપ્તા, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડૉ. આનંદ પટેલ, મનોજ પટેલ તથા પ્રેસિડેન્ટ ડૉ. સોલંકી વગેરેએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યુ હતું. ડૉ. મૂકેશ પટેલે સૌનું સ્વાગત અને આભાર વ્યકત કર્યા હતા

(7:08 pm IST)