Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજ્યમાં ૧૦ દિ'માં શાળા જતા ૧૮ છાત્રોને કોરોના

કોરોના પર નિયંત્રણ બાદ રાજ્યની સ્કૂલો શરૂ થઈ : સંક્રમિત ૧૮ વિદ્યાર્થીઓમાં સુરતમાંથી ૯, અમદાવાદના ૪, રાજકોટના ૩, વડોદરાના ૨ વિદ્યાર્થીઓનો સમાવેશ

અમદાવાદ, તા.૧૮ : રાજ્યમાં કોરોના કેસ ઓછા થયા પછી દિવાળી બાદથી જ સ્કૂલો રાબેતા મુજબ ખૂલી ગઈ છે. જોકે હવે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કોરોનાના રાક્ષસી પંજામાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં જુદા જુદા શહેરોમાં સ્કૂલે જતા ૧૮ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. જેને લઈને હવે વાલીઓમાં પણ તેમના સંતાનોને સ્કૂલે મોકલવા બાબતે ચિંતા વધી રહી છે.

અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં અભ્યાસ કરતી ધોરણ ૨ ની એક છોકરીએ તાજેતરમાં જ પોતાના વતનમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફર્યા પછી કોવિડ-૧૯ પોઝિટિવ મળી આવી હતી. સ્કૂલ ઓથોરિટીએ આ કેસની પુષ્ટિ કરી અને કહ્યું કે જે વિદ્યાર્થીઓ આ બાળકી સાથે વર્ગમાં હાજર રહ્યા હતા તેમની આરોગ્યની ચકાણસી કરીને સ્થિતિની જાણ કસરવા માટે કહેવામાં આવ્યું છે. ધોરણ ૨ ની આ વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાંથી મળી આવેલા વિદ્યાર્થીઓના ૧૮ કેસ જે છેલ્લા ૧૦ દિવસમાં કોરોના વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ થયા છે તે પૈકી એક છે. આ બાળકો ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે શાળામાં ભણી રહ્યા હતા.

૧૮ના આંકડામાં સુરતમાંથી ૯, અમદાવાદના ૪, રાજકોટના ૩ અને વડોદરાના ૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ અને વડોદરાના એક-એક શિક્ષકોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ આર આર વ્યાસે પુષ્ટિ કરી હતી કે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જેના પગલે શાળાને સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મનન ચોક્સીએ જણાવ્યું હતું કે બાળકીએ છેલ્લે નવ દિવસ પહેલા ઓફલાઈન ક્લાસમાં હાજરી આપી હતી. જ્યારે રાજકોટમાં ૩ વિદ્યાર્થીઓ અને શિક્ષણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમ ડીઈઓ બીએસ કાલિયાએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 'નચિકેતા સ્કૂલમાં અભ્યાસ કરતી ધો. ૬ની વિદ્યાર્થિની, એસ.એન. કણસાગરા સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી અને એમ.વી. ધુલેશિયા સ્કૂલના એક શિક્ષક પોઝિટિવ મળી આવ્યા છે. આ કારણે આ તમામ ત્રણ સ્કૂલોને તેમનું શિક્ષણકાર્ય ઓફલાઈનથી ઓનલાઈન કરવામા માટે કહેવામાં આવ્યું છે.'

જ્યારે સુરતમાં ઓથોરિટીએ જણાવ્યું કે છેલ્લા ૧૦ દિવસમા શહેરમાં ૯ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં રિવેરડાલે એકેડમીના ૪ વિદ્યાર્થી, ભુલકા વિહાર સ્કૂલના ૨ વિદ્યાર્થી, ડીપીએસ સ્કૂલના ૨ વિદ્યાર્થી અને સંસ્કાર ભારતી સ્કૂલના ૧ વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમના સહધ્યાયીઓનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી કોઈ અન્ય કોરોના કેસ સામે આવ્યો નથી.

જ્યારે વડોદરાના ડીઈઓ નવનીત મહેતાએ કહ્યું કે, નવરચના ઇન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. ૩નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ સ્કૂલના ઓફલાઈન ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થી સ્કૂલમાં એકાંતરે ઓફલાઇન ક્લાસમાં હાજરી આપી રહ્યો હતો. જેથી તેની સાથે હોય તેવા તમામ વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના ધો.૭નો વિદ્યાર્થી અને તેના પેરેન્ટ્સ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલે તમામ ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે. તેમજ શહેરની સંત કબિર સ્કૂલના ટીચર પણ પોઝિટિવ મળી આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ તમામ સ્કૂલો માટે કોરોના નિયમોનું પાલન આવશ્યક છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફરજીયાત માસ્ક પહેરવું, શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, દરેક સ્ટાફનું રસીકરણ કરવું,તેમજ જે વિદ્યાર્થી અને સ્ટાફ સ્કૂલમાં આવે છે તેમનામાં કોઈ કોરોના સિમ્પટમ્પ્સ ન હોય તે બાબતે ચોકસાઈ રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ તમામ સ્કૂલોને જો કોઈ કોરોના કેસ તેમના વિદ્યાર્થી કે સ્ટાફમાં હોવાની જાણ થાય તો પ્રાથમિક ધોરણે ડીઈઓને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. નિષ્ણાતોએ કહ્યું કે બાળકોમાં વધી રહેલી કોરોના પોઝિટિવિટી અંગે ચિંતા કરવી જોઈએ જો પોઝિટિવ આવ્યા બાદ તેમાં ગંભીર લક્ષણો જણાય તો. બાળકોના ડોક્ટર નિરવ બેનાનીએ કહ્યું કે જો બાળકો કોરોના પોઝિટિવ આવે ત્યારબાદ તેમનામાં ગંભીર લક્ષણો જણાતા હોય તો ચોક્કસ આ બાબત ગંભીર ચિંતાજનક છે. પરંતુ જો લક્ષણો ખૂબ જ નોર્મલ હોય અને હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ ન હોય તો તેવા કેસમાં બાળકોમાં સંક્રમણથી કુદરતી ઇમ્યુનિટી વધશે. જ્યારે તેમને હજુ સુધી વેક્સીન મળી નથી ત્યારે આ ઇમ્યુનિટી તેમના માટે જરુરી બની રહેશે.

(9:14 pm IST)