Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું : ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી

બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે

અમદાવાદ : ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. રાજયમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાન અઢી ડીગ્રી ગગડી ગયું છે. ગુજરાતમાં હવે શીત લહેર શરૂ થઈ ગઈ છે.

હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે. એ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે.

જો કે, ગત રાતથી જ અમદાવાદ શહેરમાં ઠંડા પવનો ફુંકાવવાના શરુ થઈ ગયા છે.જેના કારણે લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આજે અમદાવાદમાં સવારથી જ ઠંડા પવનો શરુ થઈ ગયા છે. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી 48 કલાકમાં કોલ્ડ વેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. અમદાવાદમાં શુક્રવારે 11.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું, જે સામાન્ય કરતાં -2 ડીગ્રી ઓછું હતું, જેને કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ શહેરીજનોને થયો હતો. મહત્તમ તાપમાન 26 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં -4 ડીગ્રી ઓછું હોવાથી દિવસે પણ લોકોએ ઠંડક અનુભવી હતી. આગામી ચારેક દિવસ સુધી લઘતમ તાપમાન 11થી 12 ડીગ્રી રહેશે. આમ, શહેરમાં શિયાળો જામ્યો હોય એવો માહોલ જોવા મળશે.

(9:20 pm IST)