Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સુરત શહેર પોલીસના ' નો ડ્રગ્સ ' અભિયાનમાં રીક્ષા ચાલકો પણ જોડાયા: 500થી વધુ રીક્ષા પર જાગૃતિ ફેલાવતા પોસ્ટર લગાવ્યા

સુરત શહેર પોલીસે નવતર પ્રયોગ કર્યો :જાહેર કાર્યક્રમોમાં લોકોને સમજાવવાના પ્રયાસ બાદ હવે પોલીસે શહેરમાં ફરતી રીક્ષાઓ પર ડ્રગ્સ અવેરનેસ જાગૃતિના પોસ્ટરો લગાવ્યા

સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ સામે અભિયાન છેડવામાં આવ્યું છે. ડ્રગ્સના વધી રહેલા દૂષણને અટકાવવા અને તેની સામે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા સુરત શહેર પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. જાહેર કાર્યક્રમોમાં લોકોને સમજાવવાના પ્રયાસ બાદ હવે પોલીસે શહેરમાં ફરતી રીક્ષાઓ પર ડ્રગ્સ અવેરનેસ જાગૃતિના પોસ્ટરો લગાવ્યા છે અને શહેરીજનોને તેની સામે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે  

સુરત શહેર પોલીસની ડ્રગ્સ સામેની જાગૃતિ ફેલાવવામાં હવે શહેરના રીક્ષા ચાલકો પણ જોડાયા છે. સુરતમાં છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ’નું અભિયાન ચાલી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ સામે પોલીસની ખાસ મુહીમ પણ ચાલી રહી છે. ત્યારે લોકો ડ્રગ્સ તરફ ન મળે અને લોકોમાં જાગૃતતા વધે તે માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ અજમાવવામાં આવ્યો છે.

સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા શહેરના રિક્ષાચાલકોને ડ્રગ્સ અવેરનેસ માટે જોડી દેવામાં આવ્યા છે. શહેરના 500થી વધુ રીક્ષા ચાલકોને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડવામાં આવ્યા છે. 500થી વધુ રીક્ષા ઉપર ડ્રગ્સ સામેની જાગૃતતાના સ્લોગન સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ તમામ રિક્ષાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને ડ્રગ સામે જાગૃત કરવાનો પ્રયાસ કરશે.

 

ડ્રગ્સના રવાડે યુવાધન વધુ આકર્ષાઈ રહ્યું છે. યુવાઓ ડ્રગ્સના રવાડે વધુ ચડી રહ્યા છે. જેને લઇ યુવાઓમાં સ્કૂલ સમયથી જાગૃતતા આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આવા માધ્યમોમાં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે. સુરત પોલીસ દ્વારા જુદી જુદી શાળાની સ્કૂલ વેન અને સ્કૂલ બસો પર પણ પોસ્ટરો લગાવવાનું શરૂ કર્યું છે. સ્કૂલ વેન અને બસો થકી ડ્રગ્સ અવેરનેસનો સંદેશ યુવાઓ સુધી અને તેના માતા-પિતાઓ સુધી પહોંચી શકે, જેને લઇ આવા માધ્યમોને પોલીસે પોતાની સાથે જોડવાનો વધુ પ્રયાસ કર્યો છે.

(9:35 pm IST)