Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સુરતમાં આકરી ગરમી: શિક્ષણ સમિતિની શાળાનો સમય સવારની પાળી કરવા માગ

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારીને લખ્યો પત્ર

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે શિક્ષકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે સમિતિની તમામ સ્કૂલમાં સવારની પાળીનો સમય કરવા માગ કરાઈ છે. શાસનાધિકારી સમક્ષ માંગણી કરવામાં આવી છે. હાલ પરીક્ષા ચાલી રહી છે. તેમાં સવારની પાળી છે. પરંતુ, ત્યારબાદ બે પાળીના બદલે માત્ર સવારની પાળીમાં જ સ્કૂલ ચાલે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ વર્ષે મે મહિનાના બદલે માર્ચ મહિનાના અંતથી જ ગરમી શરૂ થઈ ગઈ છે. હાલમાં એપ્રિલ માસમાં મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે. આવામાં સુરત સહિત રાજ્યની શાળાઓમાં ગરમીને ધ્યાને રાખીને પરીક્ષાનો સમય સવાર પાળીનો કરવામા આવ્યો છે. વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે તે માટે સરકાર દ્વારા આ સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. પરંતુ, હવે આગામી દિવસોમાં પરીક્ષા પુરી થયા બાદ શિક્ષકોના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખીને સમય ફેરફાર કરવાની માગ કરવામા આવી છે.

  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખાયું છે કે, પરીક્ષા પૂર્ણ થાય પછી પેપર તપાસવાની અને પરિણામ તૈયાર કરવાની કામગીરી કરવાની હોય છે. ત્યારે વર્તમાન સમયમાં ગરમીનુ પ્રમાણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે. માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની તમામ શાળાઓનો સમય શિક્ષકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને ધ્યાને લઇ સવાર પાળીનો રાખવામાં આવે તે જરૂરી છે

(12:48 am IST)