Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હે ભગવાન: વાવાઝોડાની ઝપેટે દમણ કંપનીમાં લાગેલી આગે બાજુની કંપનીમાં ફેલાવી

કંપનીમાં આગનો બનાવ બનતા દમણના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખ, એનડીઆરએફ અને પોલીસની ટીમ પહોંચી હતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણના ભીમપોર સ્થિત સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી નીના એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભયંકર અચાનક આગ લાગી હતી. આગ વધુ પ્રસરતા બાજુમાં આવેલી અરિહંત કંપની ને પણ આગે છોડી ના હતી. એક તરફ તૌકતે વાવાઝોડુ અને બીજી તરફ દમણની બે કંપનીઓમાં ભયંકર આગ લાગતા સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો હતો. આગની ભયાનકતા એટલી હતી કે આગને કાબુમાં લેવા માટે કલાકો સુધી જહેમત કરવી પડી હતી.

 વાવાઝોડાને લઈને નીના કંપનીમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગે આજુબાજુમાં આવેલી કંપનીઓને ઝ્પેટમાં લીધી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ ફાયર વિભાગને જાણ કરી હતી. કંપનીમાં આગનો બનાવ બનતા દમણના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખ, એનડીઆરએફ અને પોલીસની ટીમ પહોંચી હતી. ભીમપોરના અગ્રણીઓ, કંપનીના સંચાલકો તેમજ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા.નીના કંપનીમાં લાગેલી આગ મોટી હોવાથી ફાયર ટીમને પણ બોલાવવા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. દમણની 8 અને વલસાડની 1 ફાયર ટીમ ઘટના સ્થળે આગ ઉપર કાબુ મેળવવા તજવીજ કરી હતી.

(9:23 am IST)