Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નર્મદા જિલ્લામાં “તૌકતે” વાવાઝેાડા તબાહી સર્જી: ખેડૂતોનો પાક નષ્ટ : કરોડોનું નુકશાન

જો સરકાર અમને યોગ્ય વળતર નહિ આપે તો અમારે ઝેર પીવું પડશે: ખેડૂતોની વ્યથા

રાજપીપળા:રાજ્યમાં “તૌકતે” વાવાઝેાડાના તબાહી સર્જી છે એમાં નર્મદા જિલ્લામાં “તૌકતે” વાવાઝેાડાની અસર માત્રથી જ ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે કેટલાક વિસ્તારોમાં કાચા મકાનોને પણ મોટું નુકસાન થયું છે.નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

“તૌકતે” વાવાઝેાડાની અસર નર્મદા જિલ્લામાં પર વર્તાઈ છે.નર્મદા જિલ્લાના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને કેળાનો છે.“તૌકતે” વાવાઝેાડાની અસર થતા જિલ્લામાં પવનના સુસવાટા સાથે વરસાદ ધાબડ્યો હતો, એ જ કારણે કેળનો ઉભો પાક નષ્ટ પામ્યો હતો.નર્મદા જિલ્લાના 300 જેટલા ખેડૂતોનો કેળનો પાક નષ્ટ થતા કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું એક અનુમાન લગાવાઈ રહ્યું છે.

 

નર્મદા જિલ્લાના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગયા વર્ષે આ ન સીઝનમાં કમોસમી વરસાદને પગલે અમારા કેળનો ઉભો પાક નષ્ટ થયો હતો, હવે આ વખતે વાવાઝોડું આવ્યું અને અમારો કેળનો ઉભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે.અમને એમ હતું કે આ વખતે અમને સારો ભાવ મળશે તો ગયા વર્ષનું નુકશાન સરભર થશે પણ અમારું એ સપનું સપનું જ રહી ગયું.અમે એક એકર પાછળ 1 થી 1.50 લાખનો ખર્ચ કરીએ છે.અમે અમારા સોનાના દાગીના ગીરવે મૂકી કેળની ખેતી કરી હતી.જો સરકાર અમને યોગ્ય વળતર નહિ આપે તો અમારે ઝેર પીવાનો વખત આવશે.જેમ એક છોકરાને ઉછેરીએ છીએ એવી જ રીતે અમે કેળના એક છોડને ઉછેર્યો હતો.

ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારો ઉભો પાક નષ્ટ થઈ ગયો હોવાથી અમને ખાવાનું નથી ભાવતું કે રાત્રે ઊંઘ પણ નથી આવતી.આગામી 5 વર્ષ સુધી અમે આ નુકશાની ભરપાઈ નહિ કરી શકીએ એવી અમારી હાલત થઈ છે.અમારો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.ખેડૂતોને વધારે પાયમાલ થતા અટકાવવા હોય તો સરકાર યોગ્ય વળતર આપે.અમુક ખેડૂતોએ તો એવો આક્ષેપ લગાવ્યો હતો કે સરકારે અત્યાર સુધી જે સહાય જાહેર કરી છે એ અમને તો મળી જ નથી.કોરોના મહામારી ઉપરથી આ વાવાઝોડુ અમારે તો ખેત મજૂરીના પૈસા પણ નીકળતા નથી.

બીજી બાજુ “તૌકતે” વાવાઝેાડાની અસરથી વીજ થાંભલાઓ તૂટી જતા નર્મદા જિલ્લાના 236 ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, 33 જેટલા ફીડર-વિજ લાઇનોને અસર થતાં, પાંચ ટ્રાન્સફોર્મર સ્ટ્રકચર તથા 123 વિજ થાંભલા તુટી ગયેલ છે.જો કે DGVCL દ્વારા તાબડતોબ 101 નવા વીજ થાંભલા નાખી દેવાતા એ ગામોમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ થયો હતો.

(8:27 pm IST)