Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વડોદરામાં ૫૯ વીજળીનાં થાંભલા ફરી ઊભા કરાયા

વાવાઝોડા બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ કામે લાગી : ૧૯૫ ગામ અને સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ થયો હતો, ૮૨ સ્થળોએ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો

વડોદરા,તા.૧૯ : વડોદરા શહેર અને જિલ્લામાં તૌકતે ત્રાટક્યું ન હતું, પણ એની અસરના રૂપમાં ચક્રવાતી વેગીલા પવનો સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. તેના પરિણામે વૃક્ષો તૂટી પડવા, કાચા મકાનો અને ઝુંપડાને નુકસાન થયુ હતું. તેમજ વીજ લાઇનો અને પ્રસ્થાપનોને નુકશાનની ઘટનાઓ બની હતી. તકેદારી રૂપે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના નિયંત્રણ ટીમો ગઈકાલની સતત ત્રીજી રાત્રિએ એલર્ટ મોડ પર રહી છે. ખાસ કરીને એમજીવીસીએલ, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમો તેમજ પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પૂર્વવત કરવા અથાગ મહેનત કરવામાં આવી રહી છે. વડોદરામાં વાવાઝોડાના કારણે મોટું નુકશાન પણ થયું. જેમાં નુકસાન થયેલ કુલ ૮૫ વીજળીના થાંભલા પૈકી ૫૯ વીજળીના થાંભલા સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં પડી ગયેલ વૃક્ષોની સંખ્યા કુલ ૧૬૩ હતી. જેને હટાવવાની કામગીરી ખાસ કરીને વન અને માર્ગ મકાન વિભાગની ટીમોએ કરી અને અવરોધો હટાવી સ્થિતિ પૂર્વવત કરી છે. એમજીવીસીએલની ટીમોએ વીજ લાઇનો પર પડેલા વૃક્ષો અને ડાળીઓ હટાવી પુરવઠો ચાલુ કર્યો. સાથે જ બંધ થયેલ કુલ ૧૩ રસ્તા પૈકી તમામ રસ્તાઓને તુરંત જ ખોલી વાહન વ્યવહારને યોગ્ય બનાવવામાં આવ્યા.

       તો ૧૯૫ ગામ અને સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ થયો હતો, તે પૈકી ૮૨ સ્થળોએ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં કુલ ૨૧ ફીડરમાંથી ૧૩ ફીડરમાં ઈલેકટ્રીસિટી રીસ્ટોર કરી દેવામાં આવી અને ૯ કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો. ૮ થાંભલા પૈકી ૪ થાંભલા પૂનઃ સ્થાપિત કરવામાં આવ્યા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૬ ફીડરમાંથી ૨૪ ફીડરમાં ઈલેકટ્રીસીટી રીસ્ટોર કરી દેવામાં આવી અને તે પૈકી ૧૧ કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો. ૭૮ થાંભલા પૈકી ૨૭ થાંભલા પૂનઃ સ્થાપિત કરવામાં આવ્યા. જ્યારે વાવાઝોડાના કારણે શહેર જિલ્લામાં કુલ ૧૧ કાચા મકાનો અને ઝૂપડા પણ તૂટી પડ્યા છે. મહત્વની વાત છે કે તૌકતે વાવાઝોડા વડોદરા શહેર જિલ્લામાં પૂર્ણ રીતે નથી ત્રાટક્યું. માત્ર તેની અસર થઈ છતાં પણ ઠેર ઠેર ઝાડ પડી ગયા અને વીજળી ડૂલ થઈ જવાના કિસ્સા બન્યા હતા. ત્યારે આજે વડોદરામાં સ્થિતિ ફરીથી સામાન્ય થઈ છે.

(8:49 pm IST)