Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હવે કાલથી રાજ્યમાં રસીકરણની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે

તૌકતે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણની કામગીરી બુધવારે સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો

અમદાવાદ : રાજ્યમાં હાલમાં તાઉતે વાવાઝોડાનો કહેર વર્તાઈ રહ્યું છે. રાજ્યના મોટા ભાગમાં તેની અસર વર્તાઈ રહી છે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણની કામગીરી બુધવારે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં રસીકરણની કામગીરી કાલે 20મે ગુરૂવારથી ફરીથી શરૂ કરવામાં આવશે.

અગાઉ તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં બે દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં સોમવાર અને મંગળવારે રસીકરણ બંધ રાખવામાં આવી હતી. જેમાં હવે વધુ એક દિવસનો ઉમેરો કરવામાં આવ્યો હતો . નોંધનીય છે કે વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિના કારણે જ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને લગાવવામાં આવેલા નિયંત્રણો વધુ ત્રણ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વાવાઝોડાની સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. હવે 8 મહાનગર સહિત 36 શહેરોમાં 21 મે સવારે છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો અમલી રહેશે.

(12:19 am IST)