Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

અમદાવાદમાં તહેવારોમાં ૩૫૦૦ કરોડના નવા કન્‍ટ્રકશન પ્રોજેકટ થશે લોંચ

૩૦ ટકા પ્રોજેકટ કોમર્શિયલ જ્‍યારે બાકીના રહેણાંક મકાનો

અમદાવાદ તા. ૧૯ : સીઆરઇડીએઆઇ અમદાવાદના એક અંદાજ અનુસાર આ તહેવારોની સીઝનમાં ઓછામાં ઓછા ૩૫૦૦ કરોડ રૂપિયાના બાંધકામ પ્રોજેકટો લોન્‍ચ થશે. ગયા વર્ષે કોમર્શિયલ પ્રોજેકટોની સંખ્‍યા બહુ જ ઓછી હતી પણ આ વર્ષે કોમર્શિયલ પ્રોજેકટોની સંખ્‍યા લગભગ ૩૦ ટકા જેટલી છે, જ્‍યારે બાકીના રહેણાંક પ્રોજેકટ છે. પ્રોપર્ટી ડેવલપર્સનું માનવું છે કે, નવરાત્રી પછી રીઅલ એસ્‍ટેટમાં માંગ વધશે. અમદાવાદમાં આ વર્ષે ૬૯ નવા પ્રોજેકટો લોન્‍ચ થયા હતા.
સીઆરઇડીએઆઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોષીએ કહ્યું ‘મહામારી પછી રીયલ એસ્‍ટેટ ક્ષેત્રની માંગ અપેક્ષા કરતા વધારે જોવા મળી છે અને છેલ્લા બે વર્ષમાં માંગ સારી રહી છે. ગઇ દિવાળીની સીઝનમાં રહેણાંક ક્ષેત્રમાં જ નવા પ્રોજેકટ મુખ્‍યત્‍વે લોંચ થયા હતા કેમકે વ્‍યાપારીક મકાનોની માંગ કોરોનાના કારણે બહુ નીચી રહી હતી. આ વર્ષે અમારા અંદાજ અનુસાર, શહેરમાં ૩૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટો લોંચ થશે.'
તેમણે કહ્યું કે, આ તહેવારોની સીઝનમાં ૩૦ ટકા પ્રોજેકટો કોમર્શિયલ સેકટરના હશે કેમકે ઓફિસ સ્‍પેસ અને ક્‍વોલિટી રીટેઇલ સ્‍પેસની માંગ સારી એવી છે.
શહેરના એક ડેવલપર ગૌરવ ગધેચાએ કહ્યું કે, કોરોના પછી હવે માંગ બહુ સારી છે. શેરબજારનું પ્રદર્શન સારૂં છે અને કોમોડીટીના ભાવો પણ સ્‍થિર છે એટલે રીયલ એસ્‍ટેટમાં આ તહેવારી સીઝનમાં ગતિ જોવા મળશે.

 

(12:08 pm IST)