Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

લાલ ઈંટના વપરાશને મર્યાદિત કરતું નોટિફિકેશન કેન્‍દ્ર પાછું ખેંચે

ઈંટભઠ્ઠા ઉદ્યોગને સમગ્ર દેશમાં એક સમાન ભાવે કોલસો મળે તેવી વ્‍યવસ્‍થા કરોઃ ગુજરાત બ્રિકસ મેન્‍યુ. ફેડરેશન લડત સમિતિ

(કેતન ખત્રી), અમદાવાદઃ કેન્‍દ્રીય પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય (સીપીસીબી)ના તા. ૨૨મી ફેબ્રુઆરી-૨૦૨૨નું નોટીફિકેશન બહાર પાડી કેન્‍દ્ર સરકારે ઇંટ ઉદ્યોગને જે અશકય નિયમો પાળવાની ફરજ પાડી છે જેની સામે ગુજરાત બ્રિકસ મેન્‍યુફેક્‍ચરર્સ ફેડરેશન લડત સમિતિએ ઉગ્ર વિરોધ કરતા જણાવ્‍યું હતુ કે ૩૧મી માર્ચ કેન્‍દ્ર સરકારના નાણાં મંત્રાલયે ૩૧મી માર્ચ ૨૦૨૨ના નોટિફિકેશન બહાર પાડીને ઇંટ ભઠ્ઠામાં બનતી લાલ ઇંટ અને ટાઈલ પરનો ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરી દેવાનો નિર્ણય લાલ ઇંટનો વપરાશ મર્યાદિત થતો હોવાથી હોવાથી પણ ઇંટ ભઠ્ઠા ઉદ્યોગોને મોટો ફટકો પડશે.

કેન્‍દ્ર સરકારના નોટિફિકેશનમાં મુખ્‍યત્‍વે ઇંટ ઉત્‍પાદકોએ તેમની ઈંટનું ઉત્‍પાદનનુંકામ ઝીગઝેગ પધ્‍ધતિથી ઇંટ પકવવાનું યુનીટ બનાવવાનું રહેશે, એક ઇંટ ઉત્‍પાદન કરતા યુનિટથી બીજુ ઇંટ ઉત્‍પાદન કરતુ યુનિટ એક કિ.મી.ની ત્રિજ્‍યાથી દૂર હોવું જોઇએ, અને ઇંટ ઉત્‍પાદન કરતુ યુનિટ રહેઠાણ વિસ્‍તારથી આઠસો મીટર દૂર હોવું જોઇએ જે કોઇ પણ રીતે શકય નથી. કેમ કે ઉત્‍પાદન માટે ઝીગઝેગ પધ્‍ધતિથી ઇંટ પકવવા માટેનો ભઠ્ઠો બનાવવાનો ખર્ચ આશરે પચાસથી સિત્તેર લાખ રૂપિયા સુધીનો આવે છે. આ યુનિટને ટુંકા સમયગાળામાં આ યુનિટ ફેરવવું પડવાથી આ ખર્ચ ઇંટ ભઠ્ઠા માલિકોને પોષાય તેમ ન હોવાનું ગુજરાત બ્રીકસ મેન્‍યુફેકચરર્સ ફેડરેશનના મહામંત્રી મહેન્‍દ્ર પ્રજાપતિએ જણાવ્‍યું છે.

(4:00 pm IST)