Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ગાંધીનગર શહેર કુડાસણમાં ખેતરમાં જન્મદિવસની ઉજવણી કરતી વેળાએ યુવતીની મશ્કરી બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણના ખેતરમાં યુવાનની બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ભેગા થયેલા મિત્રો વચ્ચે યુવતીની મશ્કરી બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો જેમાં ત્રણ શખ્સોએ યુવાનને ધોકાથી માર મારી કારમાં તોડફોડ કરી હતી. ઘાયલ યુવાનને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદના વિઝોલ ખાતે આયોજન નગરમાં રહેતો યુવાન નિકુંજસિંહ વિજયસિંહ વાઘેલા ગઈકાલે રાત્રે તેના મિત્ર રોનકની બર્થડે પાર્ટી હોવાથી રોનક તેમજ રાજ રાઠોડ સાથે તેમના મિત્ર વિપુલ ઠાકોર રહે કુડાસણને ત્યાં કારમાં આવ્યા હતા. જ્યાં વિપુલ ઠાકોર દ્વારા તેમને નજીકના ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા અને રોનક રાણાની બર્થડે પાર્ટી ઉજવવામાં આવી રહી હતી. આ સમયે વિપુલ અને રોનક વચ્ચે યુવતીની મશ્કરી બાબતે બોલાચાલી શરૃ થઈ હતી. જેના પગલે નિકુંજ દ્વારા સમજાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ મામલો ઉગ્ર બન્યો હતો અને વિપુલે તેના અન્ય બે મિત્રોને બોલાવી લીધા હતા. આ ત્રણેય શખ્સો ધોકા સાથે નિકુંજ, રોનક અને રાજને મારવા લાગ્યા હતા. જોકે રોનક અને રાજ ત્યાંથી ભાગી છુટયા હતા. નિકુંજ ભાગવા માટે જઈ રહ્યો હતો તે સમયે તેને આ ત્રણેય પકડીને ધોકાથી માર માર્યો હતો ખેતર બહાર નિકુંજ પહોંચ્યો ત્યારે બહાર પડેલી રાજની કારમાં પણ આ શખ્સોએ તોડફોડ કરી હતી. ત્યારબાદ આ ત્રણેય શખ્શો ત્યાંથી નાસી છૂટયા હતા અને કોઈ રાહદારી દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી નિકુંજને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની ફરિયાદને આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(4:22 pm IST)