Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આણંદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે પેટ્રોલ પંપ નજીક બંધ ગોડાઉનમાં છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

આણંદ : આણંદ ગ્રામ્ય પોલીસે મળેલી ગુપ્ત બાતમીના આધારે વઘાસી ગામના પેટ્રોલ પંપ નજીક આવેલા એક બંધ ગોડાઉનમાં છાપો મારી વિદેશી દારૂના ક્વાટરીયાની ૧૧૭ પેટીઓ ઝડપી પાડી હતી. આણંદ ગ્રામ્ય પોલીસે રૂા.૫.૬૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ગોડાઉન ભાડે રાખનાર ભાવનગરના બે શખ્સો વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ વઘાસી ગામે એક પેટ્રોલ પંપ પાસેના એક ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળતા પોલીસની ટીમ ગોડાઉન ખાતે પહોંચી હતી. જ્યાં ગોડાઉન બંધ જોતા પોલીસે ગોડાઉનના માલિક ચિરાગભાઈને બોલાવી પૂછપરછ હાથ ધરતા આ ગોડાઉન તેઓના પત્નીના નામે હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આ ગોડાઉનનો વહીવટ દલાલીનું કામકાજ કરતા મકબૂલ સુલેમાનભાઈ વ્હોરા કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મકબુલ વ્હોરાને બોલાવી વધુ પૂછપરછ કરતા આ ગોડાઉન એક પખવાડીયા પૂર્વે જ ભાવનગરના રહેવાસી પરેશ હિંમતભાઈ પટેલ અને ઈમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂનભાઈ કાલવાને માસિક રૂા.૨૯૫૦૦ના ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું.  આ ગોડાઉન ખાતે પ્લાસ્ટીકના દાણા ઉતારી ધંધો કરવાનો હોવાનું ભાવનગરના શખ્સોએ જણાવ્યું હતું. જેથી પોલીસે શંકાના આધારે ગોડાઉનનું તાળુ તોડી અંદર તપાસ કરતા ગોડાઉનમાંથી ૧૧૭ પેટી વિદેશીના દારૂના ક્વાટરીયા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિં.રૂા.૫,૬૧,૬૦૦ જેટલી થવા જાય છે. આણંદ ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પરેશભાઈ હિંમતભાઈ પટેલ અને ઈમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂનભાઈ કાલવા વિરુધ્ધ ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:22 pm IST)