Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આંદોલનકારો ધારાસભા સત્ર વખતે ઘેરાવ કરવાના મુડમાં

કર્મચારીઓ, માલધારી સમાજ વગેરે વધુ આક્રમક બને તેવા એંધાણ : ભાજપના કેટલાક અગ્રણીઓ આંદોલનકારોના સંપર્કમાં ?

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૯ : આજે પણ કર્મચારીઓનું આંદોલન ચાલુ છે. હવે દિવસેને દિવસે ઉગ્ર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
આ ઉપરાંત વન વિભાગ, માજી સૈનિક, આંગણવાડી આશા વર્કર વગેરે સરકારી સંગઠનો સરકાર સામે લડવાની સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયા છે. ઉપરાંત માલધારી સમાજ પણ ગત વિધાનસભામાં ઢોર અંગેના મંજુર કરવાના કાયદાની વિરૂધ્‍ધમાં છે.
આગામી તા. ૨૧મીથી બે દિવસ મળનારા ચોમાસુ સત્રમાં માલધારી સમાજ પણ આક્રમક રીતે આગળ વધવા માંગે છે. માલધારી સમાજ વિધાનસભા ઘેરાવ કરવાના મૂડમાં છે. સરકાર માટે આ બધા સંગઠનોનો સામનો કરવો મુશ્‍કેલ થતો જાય છે.
આગામી ડિસેમ્‍બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોઇ અસર ન પડે તેવા પ્રત્‍નોમાં છે અને જરૂર પડે ત્‍યાં બને તેટલી ઝડપથી આંદોલનકારીઓના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માંગે છે.
છેલ્લા ઘણા દિવસથી રાજ્‍યના પાટનગરમાં આવેલ સચિવાલય સંકુલ પાસે ભારે માત્રામાં હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે. સરકારી સંગઠનોમાં બે ભાગલા પડી ગયા હોય તેમ સ્‍પષ્‍ટ દેખાઇ રહ્યું છે.
સરકારી કર્મચારીઓ સંપૂર્ણ લડાયક મુડમાં છે. હવે પછી જે મંત્રણા થાય અને સરકાર જે નિર્ણય કરવા માંગતી હોય તેની લેખિતમાં ખાત્રી મેળવવાના મૂડમાં છે.
અત્‍યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટીના જે લોકો નારાજ છે તેમના છુપા આશિર્વાદ આ આંદોલનકારીઓને મળી રહ્યા છે તેવી ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આમ સચિવાલય સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્‍ત પણ ખૂબ જ મોટા પાયે કરવામાં આવ્‍યો છે.

 

(4:40 pm IST)