Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

અમદાવાદમાં 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોની નિમણુંકઃ ટ્રાફિક નિયમનના અમલીકરણ માટે વધુ સ્‍ટાફ ફાળવાયો

સોફટ સ્‍કીલ, શાંતિપૂર્ણ વ્‍યવહારની તાલીમ સાથે દૈનિક 300 રૂપિયા પગાર ચુકવાશે

અમદાવાદ: રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોને ભરતી કરવામાં આવી છે. જે જવાનો ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક નિયમનનું કામ કરે છે.

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અનિયમિત હોવાનું અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું સામે આવતા પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે બાદ માં જરૂરી પ્રક્રિયા કરીને અન્ય 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની નિમણૂક કરવામાં આવી છે. જેઓની હાલમાં તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ટ્રાફિક બ્રિગેડના જવાનો જે રીતે વિવાદમાં આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને આ તમામ જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. વાહન ચાલકો સાથે કયા પ્રકારનું વર્તન કરવું, કાયદાની શું જોગવાઈ છે. ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ન જોવા મળે તે માટે તેઓની નિમણૂક માત્ર ત્રણ વર્ષ માટે જ કરવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ આ કરાર છે તે આપોઆપ રદ થઈ જશે. તમામ જવાનો છે તે એક મહિનામાં 28 દિવસ સુધી કામ કરી શકશે અને તેઓને પ્રતિદિન ₹300 નું મહેનતાણું પણ આપવામાં આવશે.

મહત્વનું છે કે, અમદાવાદમાં 700 ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવાર માટે 800 મીટર દોડ તથા મહિલા ઉમેદવાર માટે 400 મીટર દોડની પરીક્ષા લેવામાં આવશે. પુરુષ ઉમેદવારોને આ દોડ 190 સેકન્ડમાં તથા મહિલા ઉમેદવારોએ આ દોડ 105 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ સાથે પુરુષ ઉમેદવારોને 6 પુશઅપ અને 10 દંડની પરીક્ષા પણ આપવાની રહેશે.

પગાર કેટલો ચૂકવાશે?

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડને દૈનિક રૂ.300નો પગાર ચુકવવામાં આવશે, તથા આ પગાર અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા પગાર ચુકવવામાં આવશે. નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

(4:48 pm IST)