Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ક્રાંતિકારી નિર્ણયોથી ગુજરાતની કાયાપલટ: વહીવટી વિકેન્દ્રીકરણ અને સરળીકરણ થકી ઊર્જા ક્ષેત્રે ગુજરાત થયું આત્મનિર્ભર

રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે A+ ગ્રેડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગાંધીનગર :વર્ષ ૨૦૦૫માં જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડનું જુદી જુદી સાત કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સરકારનું આ પગલું વહીવટી વિકેન્દ્રીકરણ અને સરળીકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે અને ગુજરાતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે! ઉદ્યોગ અને ખેતી માટે સમયસર અને પૂરતી વીજળી કેવી રીતે પૂરી પાડવી એ ગુજરાતનો પ્રાણપ્રશ્ન હતો.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની દીર્ઘદૃષ્ટિથી ગુજરાતને ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ ક્રાંતિકારી નિર્ણયો લેવા માંડ્યાં. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત વીજળી ઉદ્યોગ (પુનઃગઠન અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩’ ઘડવામાં આવ્યો. જેનો હેતુ ઔદ્યોગિક-વ્યક્તિગત ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓના સંચાલન અને વિતરણમાં કાર્યક્ષમતા વધારવા તથા વીજળી ઉદ્યોગની પુનઃરચના કરવા માટેનો હતો. એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત વિદ્યુત બોર્ડને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ., ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પો. લિ., ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પો. લિ., ઉત્તર ગુજરાત વીજ કંપની લિ., મધ્ય ગુજરાત વીજ કંપની લિ., દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ., પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. એમ સાત કંપનીઓમાં વિભાજિત કરવામાં આવ્યું.
આ કંપનીઓને તેની અસરકારક સેવાઓ તથા પર્ફોર્મન્સના વિવિધ માપદંડોથી મૂલ્યાંકન કરવાનું શરૂ કરાયું. વીજ વિતરણ કંપનીઓના વહીવટમાં પારદર્શિતા આવી અને નફો પણ ઉત્તરોત્તર વધ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હસ્તકની આ ચારેય વીજ વિતરણ કંપનીઓએ રાષ્ટ્રીય સ્તરે A+ ગ્રેડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
કંપનીઓમાં વિભાજિત કર્યા બાદ ગુજરાતના સંપૂર્ણ ભૌગોલિક પ્રદેશના છેવાડાના વિસ્તાર સુધી વીજમાળખું ઊભું કરવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો. આ માટે વીજળી ઉત્પાદકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. વીજવિતરણ માટે વીજ વિતરણ લાઈનો અને સબસ્ટેશનોની સંખ્યા વધારવામાં આવી. છેવાડાના અને અંતરિયાળ ગામો સહિત સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી પૂરી પાડવાના સંકલ્પ સાથે ‘જ્યોતિગ્રામ યોજના’ની શરૂઆત કરવામાં આવી. રાજ્યના તમામ ગામડાઓ અને શાળાઓને ૧૦૦ ટકા વીજળી જોડાણને પ્રાથમિકતા આપવામાં આવી. જેના પરિણામે શાળાઓમાં કમ્પ્યૂટરનો ઉપયોગ વધ્યો અને ગ્રામીણ જીવનધોરણ ઊંચુ આવ્યું. સ્થાનિક ઉદ્યોગો અને આરોગ્ય તેમજ માળખાકીય સવલતો વધી. આ યોજનાએ ગામેગામ ૨૪ કલાક વીજળીનો સંકલ્પ સિદ્ધ કર્યો અને દેશના અન્ય ભાગોમાં પણ આ યોજનાનું મોડલ લાગૂ કરવામાં આવ્યું.
પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૦૯માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પહેલી વાર સૌર ઊર્જા નીતિ જાહેર કરવામાં આવી. ચારણકામાં દેશનો સૌથી પહેલો સોલાર પાર્ક સ્થાપી કાર્યાન્વિત કરવામાં આવ્યો. કચ્છમાં વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવૉટના સોલાર-વિન્ડ પાર્કની કામગીરી પ્રગતિમાં છે. સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના અતર્ગત રાજ્યમાં ૪૦ હજારથી વધુ ઘરોને રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવામાં સહાય આપવામાં આવી છે. આજે ગુજરાત સોલાર રૂફ ટોપ યોજનાના અમલમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે.
વર્ષ ૧૯૬૦થી ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષોમાં પવન ઊર્જાની વીજ ઉત્પાદન ક્ષમતા માત્ર ૯૯ મેગાવૉટ હતી, જે વધીને છેલ્લા બે દાયકામાં આજે ૯,૧૧૦ મેગાવૉટ વીજ ઉત્પાદન થયુ છે. પહેલા ૭૦૨ સબસ્ટેશનો હતા, જેની સામે નવા ૧,૫૪૯ સબસ્ટેશનો કાર્યાન્વિત કરાયાં છે. વીજળીનું ઉત્પાદન ૮,૭૫૦ મેગાવૉટ હતું, જે આજે ૪૦,૧૩૮ મેગાવૉટથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે.
ગુજરાતની સ્થાપનાથી લઈ ૨૦૦૧ સુધીમાં, આદિજાતિ વિસ્તારોમાં ૭૫ સબસ્ટેશનોની સામે વર્ષ ૨૦૨૨ સુધીમાં નવા ૨૭૭ સ્બસ્ટશનો કાર્યરત કરવામાં આવ્યાં છે. આદિવાસી બાંધવોને નિઃશુલ્ક અને અગ્રતના ધોરણે ઘર વપરાશના વીજ જોડાણોમાં ૪ ગણો વધારો કરાયો છે. વર્ષ ૧૯૬૦થી ૨૦૦૧ સુધીમાં ૧.૬૭ લાખ વીજ જોડાણોની સામે વર્ષ ૨૦૦૨થી ૨૦૨૨ સુધીમાં ૩.૨૫ લાખ જેટલા વીજ જોડાણો આપવામાં આવ્યાં છે.
ખેડૂતોને છેલ્લા બે દશકામાં ૭૫ હજાર કરોડથી વધુની સબસિડીની રાહત આપવામાં આવી છે. રાજ્યની સ્થાપનાથી લઈ વર્ષ ૨૦૦૨ સુધીમાં ૭.૩૩ લાખ ખેતીવાડી વીજ જોડાણો હતાં. છેલ્લા બે દાયકામાં આ સંખ્યા વધીને ૧૩.૪૫ લાખ થઈ છે. રાજ્યના તમામ ધરતીપુત્રોને દિવસ દરમિયાન વીજળી મળી રહે તે માટે આંતરમાળખાકીય સવલતોના વિકાસ માટે ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત રૂ. ૧,૪૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. જામનગર અને જૂનાગઢ જિલ્લાઓમાં ૨૨૦ કે.વી.ના બે સબસ્ટેશનો પણ કાર્યાન્વિત કરવામાં આવ્યાં છે.
ગરીબોના ઘરમાં અજવાળું કરે તેવી કોઈ યોજના અગાઉની સરકારોએ અમલમાં મૂકી ન હતી. છેલ્લા ૨૨ વર્ષોમાં ઝૂંપડાઓમાં વીજળીકરણની યોજના અંતર્ગત રૂ. ૫૩૩ કરોડના ખર્ચે ૧૦.૫૦ લાખ ગરીબ પરિવારોને વીજ જોડાણોની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જ્યારે રૂ. ૨૦.૪૬ લાખ કરોડના ખર્ચે ૩૯ હજાર ગરીબ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વિનામૂલ્યે વીજ જોડાણો આપવામાં આવ્યાં.
વીજળીનું ઉત્પાદન વધ્યું, પણ પર્યાવરણના ભોગે નહીં. ગ્રીન એનર્જી જેને આપણે હરિત ઊર્જા કહીએ છીએ તેને પણ રાજ્ય સરકારે એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા ઇકો-ફ્રેન્ડલી બળતણનો ઉપયોગ વધે તે માટે ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક તેમજ ચેરિટેબલ સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા સરકારે સબસિડીની જોગવાઈ કરી છે. પરિવહન માટે નાગરિકો પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો ખરીદે તે માટે રાજ્ય સરકારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. કામકાજના સ્થળે રોજબરોજની મુસાફરી માટે નવું વાહન ખરીદવા ઇચ્છતા શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે ‘ગો-ગ્રીન યોજના’ શરૂઆત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં દેશભરમાં એક એલઈડી બલ્બની કિંમત ૩૦૦-૪૦૦ રૂપિયા હતી. ‘ઉજાલા યોજના’ અંતર્ગત એલઈડી બલ્બનું ઉત્પાદન વધારી તેની કિંમત રૂ. ૭૦-૮૦ પ્રતિ બલ્બ સુધી ઓછી કરી અને રાજ્યમાં અંદાજિત ૩૬ કરોડ એલઈડી બલ્બનું વિતરણ પણ કર્યું.
હાલમાં, રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રહેણાંક તથા સરકારી મકાનો પર સોલાર રૂફટોપ, સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ, સુધારેલી ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠી, હરિત ઊર્જા અંગેના રિસર્ચ પ્રોજેક્ટ માટે સહાય, બેટરી સંચાલિત દ્વિ-ચક્રી તથા ત્રિ-ચક્રીય વાહનો ખરીદવા સહાય, સોલાર વોટર હિટીંગ સિસ્ટમ, એલઇડી ટ્યુબલાઈટ તથા ઉર્જા કાર્યક્ષમ પંખાઓને પ્રોત્સાહન વગેરે જેવી યોજનાઓ અમલમાં છે.

આજે, પાયાની માળખાકીય સુવિધાના ભાગરૂપ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી છે. વીજળીના ઉત્પાદનમાં જરૂરિયાથી વિશેષ ઉત્પાદન કરતું થયું છે. એટલે જ ગુજરાત આજે દેશ-વિદેશમાંથી નાગરિકો અને ઉદ્યોગોને આકર્ષી રહ્યું છે તેમાં બેમત નથી

   આલેખન: દિપક જાદવ

 

(7:10 pm IST)