Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સુરતમાં ગુંડા બેફામ;સગરામપુરામાં સરાજાહેર યુવકની બે ભાઈ દ્વારા ચપ્પુના 22 જેટલા ઘા ઝીકી કરપીણ હત્યા

સગરામપુરા વિસ્તારમાં બનેલી હત્યા બાદ પોલીસે હત્યા કરનાર બંને ભાઈઓની ધરપકડ પણ કરી

સુરત :શહેરના સગરામપુરા વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે એક યુવકની બે ભાઈઓએ ચપ્પુના 22 જેટલા ઘા અને લોખંડના સળિયા મારી એક યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી, આ હત્યા બંને ભાઈઓએ દસ મહિના જૂની અદાવતમાં કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે હત્યાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બે ભાઈઓ મળી યુવક પર ચપ્પુ વડે તૂટી પડ્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો સગરામપુરા વિસ્તારમાં બનેલી હત્યા ની આ ઘટના બાદ પોલીસે હત્યા કરનાર બંને ભાઈઓની ધરપકડ પણ કરી છે

સગરામપુરા વિસ્તારના લુહાર શેરીના આલિશાન મંઝિલમાં રહેતા 39 વર્ષીય સાજીદ રહેમાન શેખ શુક્રવારે રાતના સમયે ઘર નજીક આવેલ તલાવડી વિસ્તારમાં ચા ની દુકાને ઉભો હતો, ત્યારે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં ઘર નજીક રહેતા મોહમ્મદ ઈરફાન શેખ અને તેનો ભાઈ મોહમ્મદ સાજીદ સાથે ચાલી આવતી જૂની અદાવતમાં બોલા ચાલી થઈ હતી, અને સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ઝગડામાં પરિણમતા મોહમ્મદ ઈરફાન અને તેના ભાઈએ લોખંડના સળિયા અને ચાકુ જેવા હથિયાર વડે સાજીદ શેખ પર હુમલો કર્યો હતો, બંને ભાઈઓએ મળીને સાજીદ પર એક બાદ એક 22 જેટલા ચાકુના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

 

સગરામપુરા વિસ્તારમાં શુક્રવારે બનેલી હત્યા ની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં બે ભાઈઓ મળી જાહેરમાં જ સાજીદ રહેમાન શેખ પર એક એક પછી એક ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખે છે. ઘટના બનતા જ અથવા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જ્યાં સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે હત્યા કરનાર મહમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.

 

સુરતમાં અવારનવાર બની રહેલી હત્યાની ઘટના ને જોતા એવું લાગી રહ્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઇ રહી છે અને જાણે શહેરમાં અપરાધીઓને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી,જાહેરમાં આ પ્રકારે ગુનાને અંજામ આપતા ગુન્હેગારો જરાય અચકાતા નથી. ત્યારે ગૃહમંત્રીની શહેરમાં દેખાઈ આવેલા આ ગુંડારાજના દ્રશ્યો સબ સલામતીની વાતો પોકળ સાબિત કરી રહ્યા છે.

 

(8:57 pm IST)