Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

વડોદરામાં VMCના કર્મચારીઓની મેયર સાથે બેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષની લાગણી

બેઠકમાં થયેલી ચર્ચાને આધારે અચોક્કસ મુદ્દતની હડતાલ નક્કી - મહામંડળ પ્રમુખ

વડોદરા : છેલ્લા 4 દિવસથી વડોદરા મહાનગરપાલિકા કર્મચારી દ્વારા સતત પોતાની માંગ અને પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને આજરોજ વડોદરાના મેયર કેયુર રોકડીયા દ્વારા VMC કર્મચારીઓને સામેથી બેઠક માટે બોલાવવમાં આવ્યા હતા. આ બેઠક માટે કર્મચારીઓને મેયર દ્વારા સામેથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મેયરે કર્મચારીઓને જ્યારે સામેથી બોલાવ્યા ત્યારે તમામ કર્મચારીઓ મેયર સાથે બેઠક કરવા માટે પહોંચી ગયા હતા.

બેઠક બાદ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર, અચોક્કસ મુદ્દતની હડતાલ તે લગભગ નક્કી થઈ ગઈ છે. આજે મેયર સાથે થયેલી બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી આજને બેઠકમાં થયેલી ચર્ચાને આધારે અચોક્કસ મુદ્દતની હડતાલ નક્કી જોવા મળી રહી છે.

આ અંગે મહામંડળના પ્રમુખ દિનેશ દેલમૂરારીએ જણાવ્યું કે, અમારી માંગણીના 31 મુદ્દાઓ હતા. તેમાં સ્વીકૃતી કરેલા મુદ્દાઓમાં પણ આર્થિક બર્ડન કરી મેયર કેયુર રોકડીયા તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. જેથી તમામ કર્મચારી આગેવાનો અને કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અમારી તમામ માંગણી અને પ્રશ્નોમાંથી હાલ એકપણ સંતોષાયો નથી. જેથી આગામી દિવસોમાં અમે તમામ આગેવાનો અને કર્મચારીઓ ભેગા થઈને આ મામલે એક રણનીતિ નક્કી કરી હડતાલના કાર્યક્રમો આપીશું.

 

હડતાલ મુદ્દે વાત કરતા પ્રમુખે જણાવ્યું કે, આજે મેયર કેયુર રોકડીયાએ સામેથી બોલાવ્યા હોવાથી અમે તેમના માનમાં અમારી હડતાલ મોકુફ રાખી હતી. તેઓ સંસ્થાના વડા હતા. અને અમે તેમના કર્મચારી હોવાથી હાજર રહેવું પડે. તેમજ આગામી દિવસોમાં પણ ચર્ચાને લઈને અમારે વાતચીત તો કરવી જ પડશે. તો જ અમારી માંગ અને પ્રશ્નોનું નિરાકરણ આવશે. આજે ચર્ચા બેઠકને લઈને અમે કાર્યક્રમ મોકુફ રાખ્યો હતો. પરંતુ અમારી જે માંગણી છે. તેમાં અમને એક પણ માંગણીમાં સંતોષ ન થતા આગામી હડતાલના કાર્યક્રમોને લઈને તમામ લોકો સાથે મળીને નિર્ણય લઈશું.

 

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારના ધારાધોરણમાં જ અમે અમારા હક માંગીએ છે. સરકારે જે મંજૂર કર્યું છે. નક્કી કર્યું છે. તે તમે અમને આપો. જેમાં અમારી કોઈ વધુ માંગણી છે નહિ. તેમ છતાં આજરોજની બેઠકમાં સંતોષકારક જવાબ ન મળતા તમામ લોકોમાં અસંતોષ છે. તેની સાથે રોષની લાગણી છે. 720 દિવસના મુદ્દાને લઈને પણ વાત કરતા તેમના દ્વારા કોર્ટ મેટર હોવાથી પોલીસી મેટરને લઈને અઠવાડિયા પછી ચર્ચા બેઠક કરવા જણાવ્યું હતું. જો કે, અઠવાડિયા સુધી અમારા કર્મચારીઓ રાહ ન જોતા અમારી હડતાલ યથાવત્ રાખવામાં આવશે.

  •  

(9:14 pm IST)