Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ઉકાઇ ડેમ ભયજનક સપાટીએ,નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

ડેમમાં પાણી સપાટી હાલ 138.62 મીટરે પહોંચી: નર્મદા નદીમાં છોડાતા પાણીને લીધે નદી બે કાંઠે:નદી કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા

સુરત :ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં નર્મદા અને ઉકાઇ સહિતના અનેક ડેમો મહત્તમ સપાટી સુધી પહોંચ્યા છે. હાલ પણ નર્મદા ડેમમાં પાણી આવક થઇ રહી છે અને ડેમમાં પાણી સપાટી હાલ 138.62 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ ખાતે પાણીની આવક 278438 ક્યુસેક થઇ રહી છે. જ્યારે નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 214721 ક્યુસેક છે. ડેમના 23 દરવાજા દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને લીધે નદી બે કાંઠે છે. જેના પગલે નદી કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભરુચ, વડોદરા અને નર્મદાનો સમાવેશ થાય છે. એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ નજીક 19.2 ફૂટે સ્થિર જોવા મળી રહી છે. નર્મદા નદીમાં 2.14 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીનો ફ્લો યથાવત રહેતા ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડાઈ રહ્યું છે. જોકે, હાલ પૂરનું કોઈ સંકટ નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમની સ્થિતિની વાત કરીએ તો તેની હાલની સપાટી 342.39ફૂટ છે. જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઇ ડેમની હાલની સપાટીને પગલે પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણની આવક 142370 ક્યુસેક છે, જેની સામે પાણીની જાવક 124909 ક્યુસેક છે. ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પ્રભાવિત થઇ છે. નદીમાંથી છોડાઇ રહેલા પાણીને પગલે કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના તટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

 

 

(10:53 pm IST)