Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

પાક નુકશાની સામે પેકેજ જાહેર કરવાની માંગણી વચ્ચે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું-સર્વે અહેવાલ આવી ગયો : નિર્ણય વિચારાધીન

મંત્રીએ કહ્યું --ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો હતી એ તમામ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો

અમદાવાદ :  રાજ્યમાં અતિવૃષ્ટી, તાઉતે અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે થયેલા પાક નુકસાની સામે પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે.કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વગ્રાહી પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી છે. સળંગ 28 દિવસ વરસાદ ન પડ્યો હોય એવા તાલુકાને પણ રાહત પેકેજમાં સમાવવા માંગણી કરી છે.ખેડૂત આગેવાનો, ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરી કેટલી સહાય કરવી તે માટે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ હોવાનું રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું.

આ અંગ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ  પટેલે જણાવ્યું કે તાજેતરમાં અતિભારે વરસાદ અને પુરને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થયું છે. આ બાબતે રાજ્ય સરકારે જ્યાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે તે અંગે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો હતી એ તમામ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે આ સર્વેના એહવાલ પણ સરકાર પાસે આવી ગયા છે. આ મુદ્દે કઈ રીતે અને કેટલી સહાય કરવી એ નિર્ણય મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગીરસોમનાથમાં અતિવૃષ્ટિ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.

(9:34 am IST)