Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ડિસાના લક્ષ્મીપુરાના સુથાર પરિવારને રાજસ્થાનમાં બાડમેર પાસે ભયંકર અકસ્માત :2 મહિલા સહીત 4 લોકોના મોત :અન્ય 5 ઘાયલ

બોલેરો કારમાં સવાર એક જ પરિવારના તમામ લોકો બાડમેરમાં જસાલ ધામના દર્શને કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ભગતસિંહ મેઘ હાઇવે પર ટ્રક સાથે અકસ્માત નડ્યો

ડિસાના લક્ષ્મીપુરાના સુથાર પરિવારને રાજસ્થાનમાં બાડમેર પાસે ભગતસિંહ મેઘ હાઇવે પર અકસ્માત નડ્યો છે. જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. બાડમેર મંદિરેથી દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી વિસ્તારમાં સોમવારે એક ટ્રક અને બોલેરોની આમને સામને ભયંકર ટક્કર થઇ હતી. જે અકસ્માતનો ભોગ ગુજરાતનો એક પરિવાર બન્યો છે. આ અકસ્માતમાં 2 મહિલા સહિત 4 લોકોના મોત થયા જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેની પોલીસે માહિતી આપી છે.

પોલીસ અધિકારી બલદેવ ચૌધરીના જણાવ્યા અનુસાર, બોલેરો કારમાં સવાર એક જ પરિવારના તમામ લોકો ગુજરાતના ડીસાથી બાડમેરમાં જસાલ ધામના દર્શને ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ફરી રહ્યા હતા.

મૃતકોના નામમાં ગોમતી સુથાર,ચેનાભાઈ સુથાર,ભાવનાબેન અને કાનાભાઈનો સમાવેશ થાય છે

પોલીસ અધિકારી ચૌધરીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં દેવારામ સુથાર, કપૂરભાઈ સુથાર, ભરતભાઈ સુથાર, મોહનભાઈ સુથાર અને હિમાંક્ષીને સારવાર માટે સિણધરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ રાખવામાં આવ્યા છે. પરિવારજનોના અહીં પહોંચવા પર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે

બોલેરો અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી કે બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

(7:37 pm IST)