Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

કાલ મધરાતથી એસટીની ૭II હજાર બસોના પૈડા થંભી જશેઃ ૪૦ હજાર કર્મચારીઓની બેમુદતી હડતાલ

યુનિયન આગેવાનો અમદાવાદમાં વોલ્વો પણ જોડાશેઃ કાલે રાત્રે ૧૨ વાગ્યે મુસાફરોને તેમના સ્થળે ઉતારી બસ ડેપોમાં મુકી દેવા આદેશ : યુનિયન આગેવાનો ગઇકાલે સામેથી મંત્રણા માટે ગયા તો એમ.ડી. સહિત કોઇ જવાબદાર હાજર નહોતુ

રાજકો તા.૧૯: આવતીકાલના મધરાતથી એસ.ટી.ના રાજકોટ ડિવીઝનના ૨૬૦૦ સહિત કુલ ૪૦ હજાર એસ.ટી. કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉભરી જશે. આ સંદર્ભે રાજયમાં તમામ કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દેતા ખળભળાટ સર્જાયો છે. એસટીના ત્રણેય યુનિયનો હડતાલ માટે - લડત માટે અફર છે. ગઇકાલે આગેવાનો મંત્રણા માટે ગયા હતા. પણ કોઇએ પ્રત્યુતર આપ્યો ન હતો. આ અંગે માહિતી આપતા યુનિયન આગેવાન શ્રી વેકરીયાએ અકિલાને જણાવ્યુ કે ૧૦૦ ટકા કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દીધો છે. પોતે પણ અમદાવાદ પહોંચ્યા છે. જો સહકાર આજે  વાટાઘાટો - મંત્રણા માટે નહી બોલાવે તો બેમુદતી હડતાલ અફર છે. અને મુસાફરો હેરાન થશે તેમાં સરકારની જવાબદારી રહેશે. ડ્રાઇવર-કંડકટરના ૧૯૦૦ના ગ્રેડમાં સુધારો, અને ફીકસ પગારના કર્મચારીઓનો પગારમાં સુધારો આ બે અમારી મહત્વની માંગણી છે.

શ્રી વેકરીયાએ ઉમેર્યુ હતુ કે રાજયભરમાં કુલ ૭ાા હજાર બસના પૈડા થંભી જશે,ઘ વોલ્વો પણ બંધ રહેશે, તેમના ડ્રાઇવર-કંડકટર પણ અમને ટેકો જાહેર કર્યો છે. એસ.ટી.ને રોજનું ૭ થી ૮ કરોડનું નુકસાન જશે, તેમણે જણાવેલ કે કાલે રાત્રે ૧૨ વાગ્યાથી હડતાલ શરૂ થઇ જશે. ડ્રાઇવર-કંડકટરે નજીકના ડેપો ઉપર બસો મુકી દેશે, મુસાફરોને હેરાન નહિ કરાય, જે ડેપો ઉપર પહોંચવાનું હશે ત્યાં પહોંચાડી પછી હડતાલમાં જોડાઇ જશે, અમે પણ એસટીને નુકસાન જાય તેવુ ઇચ્છા નથી. લોકોને પડનારી તકલીફ અંગે અમે દિલગીર છીએ.

(11:26 am IST)