Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રોલ મોડલ બને તે માટે સંકલ્પબદ્ઘ બનીએ : આચાર્ય દેવવ્રતજી

રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ : રાજયપાલે ગુરૂકુળ કુરૂક્ષેત્રના પોતાના પ્રાકૃતિક ખેતીના સ્વાનુભાવને પણ વર્ણવ્યા

ગાંધીનગર તા. ૧૯ : ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની પ્રેરણારૂપ કામગીરી કરી બતાવી છે, ત્યારે ગુજરાત રાજય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રોલ મોડલ બને તે માટે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. તેમણે પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય કાર્ય ગણાવી પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યો હતો.

રાજયપાલે ગુરુકુળ કુરુક્ષેત્રના પોતાના સ્વાનુભાવને વર્ણવતા જણાવ્યું હતું કે, ગુરુકુળની બંજર બની રહેલી એકસો એકર જમીનને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી નવસાધ્ય કરીને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવ્યું ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો પણ આ સિદ્ઘિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને કારણે કૃષિના મિત્ર જીવોની વૃદ્ઘિ થાય છે. જે છોડને પૂરતું પોષણ આપે છે અને સરવાળે ગુણવત્ત્।ાવાળું ઉત્પાદન મળે છે. જયારે રાસાયણિક કૃષિ મિત્ર જીવોનો નાશ કરે છે અને ઉત્પાદનમાં ક્ષણિક વૃદ્ઘિ કરે છે. રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણને નુકસાન થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે, કૃષિ ખર્ચમાં વધારો થાય છે. તેથી ઊલટું પ્રાકૃતિક કૃષિમાં જળ-જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે અને કૃષિ ખર્ચ ઘટતા ખેડૂતોની આવક વધે છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈના વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકર કરવા માટે પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. રાજયપાલે ઓર્ગેનિક અર્થાત્ જૈવિક કૃષિની મર્યાદા ગણાવી ઉમેર્યું હતું કે, જૈવિક કૃષિથી શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જયારે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતું નથી.

રાજયપાલે આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, આત્માના જિલ્લા પ્રોજેકટ ડાયરેકટર્સ, રાજયની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને પ્રગતિશીલ કિસાનોને પ્રાકૃતિક કૃષિ ખેતરે-ખેતરે પહોંચે તે માટે અથાગ પુરુષાર્થ કરવા અનુરોધ કરી પ્રાકૃતિક કૃષિને આજના સમયની માંગ ગણાવી હતી. તેમણે સમગ્ર રાજયમાં પ્રાકૃતિક કૃષિ કરી રહેલાં ખેડૂતોના સહયોગથી ૧૦૦ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન FPOની રચના કરી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માર્કેટિંગ વ્યવસ્થાની માહિતી પણ આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટેનો સૌથી અસરકારક માર્ગ ગણાવ્યો હતો અને વધુને વધુ ખેડૂતો આ માર્ગે ચાલે અને આર્થિક ઉન્નતિ મેળવે તે માટે સૌને સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં પોઈચા નીલકંઠ ધામના કૈવલ્યસ્વરૂપદાસ સ્વામીએ પ્રાકૃતિક કૃષિના પોતાના સ્વાનુભવને વર્ણવી ઘણાં પ્રશ્નોના નિકારણ સ્વરૂપ આ પદ્ઘતિને વર્ણવી હતી. જયારે તળાજાના પ્રગતિશીલ ખેડૂત નારસંગભાઈ મોરીએ પ્રાકૃતિક કૃષિથી એક એકરમાં ચાર-પાંચ હજારના કૃષિ ખર્ચ સામે ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવવાની તેમની સિદ્ઘિને દોહરાવી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું. જયારે ભચાઉના હિતેશભાઈ વોરાએ સામૂહિક પ્રાકૃતિક કૃષિની તેમની સફળતા ગાથા વર્ણવી હતી.

(12:21 pm IST)