Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજપીપળા શહેર સહિત જિલ્લાના ૫૮૭ ગામોમાં કોરોના રસીના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૮ થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે માટે રાજપીપળા શહેર સહિત જિલ્લાનાં ૫૮૭ ગામોમાં કોરોના રસીના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા વેક્સીનેશન પૂર્ણ કરાયું છે.  જિલ્લામાં ૧૮ થી વધુની વયની વ્યક્તિ નિયત કરાયેલા સમયગાળા દરમિયાન સમયસર રસીનો બીજો ડોઝ લઇ શકે તે હેતુસર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ-સેન્ટરો સહિત જિલ્લાના કુલ-૧૬૨ જેટલાં સ્થળોએ જુદી-જુદી ૧૬૨ જેટલી આરોગ્ય કર્મીઓની ટૂકડીઓ દ્વારા કોવિડ વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. કોવિડ વેક્સીનેશનના બીજા  ડોઝમાં આજદિન સુધીમાં ૨,૫૭,૨૭૩ એલિજિબલના લક્ષ્યાંક સામે ૨,૩૮,૮૨૪ જેટલા લોકોને વેક્સીનેટ કરાયાં છે, આમ નર્મદા જિલ્લાએ કોવિડ વેક્સીનેશનની બીજા ડોઝની ૯૨ ટકા કામગીરી કરી પૂર્ણ કરી છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત હાલમાં રાજપીપલા સહિત નર્મદા જિલ્લાના ૫૮૭ જેટલાં ગામોમાં પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના પદાધિકારીઓ ના સંકલન થકી નિયત કરાયેલા સમયમાં કોવિડ- વેક્સીનેશનનો બીજો ડોઝ પણ સમયસર લઇ લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોવિડ વેક્સીનેશન માટે જે લોકો  એલિજિબલ હોય તેવા લોકોને પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ફોન કરીને રસી લેવા માટે બોલાવવામાં આવી રહ્યાં છે. લોકો તરફથી પણ રસી લેવા માટે સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ડૉ.ગામીતે વધુમાં કોવિડ વેક્સીનેશન માટે જે લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે તેવા લોકોને સમયસર નજીકના કેન્દ્ર પર  રસીનો બીજો ડોઝ લઇ લેવા અપીલ કરી છે.

(12:26 pm IST)