Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

આઇટી પોર્ટલ પર કંપની, ટ્રસ્ટ, ઓડિટ રિપોર્ટના રિટર્ન અપલોડ થવામાં ધાંધિયા

રિટર્ન ફાઇલ કર્યા પછી કરવેરા સલાહકારોને રિસિપ્ટ મળતી નથી : નાના વેપારીઓના રિટર્ન ભરવાની છેલ્લી તા. ૩૧ ડિસેમ્બર છતાં મુશ્કેલીઓ

અમદાવાદ તા. ૧૯ : સીબીડીટીએ આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે વિકસાવેલું પાર્ટલ હજુ કામ કરતું નથી. સિસ્ટમમાં નવા સુધારા કર્યા પછી પણ ૭૦ ટકા ર્વિંકગ કરી રહ્યું છે. જેના કારણે કરવેરા સલાહકારો, કંપની, ટ્રસ્ટ અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરનાર મોટા રિટર્ન અપલોડ કરી શકતા નથી.

કેન્દ્રના નાણાં મંત્રાલયને દેશભરમાંથી પોર્ટલ બાબતે રજૂઆત મળ્યા બાદ જે કંપનીને કોન્ટ્રાકટ અપાયો હતો તેનો ખુલાસો માંગી સિસ્ટમ અપગ્રેડ કરવા સૂચના આપી હતી. સિસ્ટમ અપગ્રેડ થયા પછી પણ ૭૦ ટકા કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, દેશભરમાંથી રિટર્ન ભરાતા હોવાથી સિસ્ટમ એટલે કે પોર્ટલ પર ભારણ રહેતું હોવાથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તો કરવેરા સલાહકારોના મતે મોટા રિટર્ન અપલોડ થતા નથી જેના કારણે સમયસર રિટર્ન ફાઇલ કરી શકાતા નથી. કંપનીઓ, ઓડિટ રિપોર્ટ અને ટ્રસ્ટના રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને ૧૫ જાન્યુઆરી કરાઇ છે. જયારે નાના વેપારીઓના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર નક્કી કરાયેલી છે.

પોર્ટલમાં ૧૦૦ ટકા સુધારો નહિ આવે તો કરવેરા સલાહાકારોને મુશ્કેલી પડશે. એકબાજુ ફેસલેસ સિસ્ટમ આવ્યા પછી કરવેરા સલાહકારોને આઇટી અધિકારીઓ સમક્ષ રૂબરૂ જવું પડતું નથી. ઓનલાઇન ડોકયુમેન્ટ જમા કરાવવામાં પણ મુશ્કેલીઓ તો પડી જ રહી છે.

(2:51 pm IST)