Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાધનપુરમાં ઓફિસરો-સફાઈ કામદારો વચ્ચે ચાલતા વિવાદમાં નગરપાલિકાના પ્રવેશદ્વાર કચરો ઉપાડવાના વાહન મૂકી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો

રાધનપુર:  રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કામદારો વચ્ચે ચાલતા વિવાદને લઈને રોષે ભરાયેલા સફાઈ કામદારો દ્વારા કચરો ઉપાડવા માટે વપરાતા વાહનો નગરપાલિકાના પ્રવેશ દ્વારે આડા મુકી ગઈ અનોખો વિરોધ કર્યો હતો. સફાઈ કામદારો અને ચીફ ઓફિસર વચ્ચેના વિવાદનો અંત આવતો નથી જેને લઇને રાધનપુરની પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે.

રાધનપુર નગરપાલિકામાં નવીન ૧૬ સફાઈ કામદારોની ભરતી ને લઈને વાલ્મિકી સમાજના સફાઈ કામદારો અને ચીફ ઓફિસર વચ્ચે શરૃ થયેલા વિવાદ ને કારણે સફાઈ કામદારો લાંબા સમયથી હડતાલ પર ઉતર્યા હતા જેને લઇને નગરમાં ઠેરઠેર કચરાના ઢગલાને કારણે ગંદકી ફેલાતા નગરમાં રોગચાળાની દહેશત સેવાઇ રહી હતી. નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવતા સફાઈ કામદારો ને સમજાવટ માટે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી અને સફાઇ કામદારોની માંગને સંતોષાશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી અને સફાઈ કામદારો ને તા.૧૧મી ઓકટોબરના રોજ ફરી કામ પર લાગી ગયા હતા. પરંતુ સાત દિવસ ની કામગીરી બાદ ચીફ દ્વારા કરવામાં આવેલ મનમાનીને લઈને સફાઈ કામદારો દ્વારા તા.૧૮મી ઓક્ટોબર ના રોજ નગરમાંથી કચરો ઉપાડવા ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર અને પીકઅપ ગાડી  કચરો ભરેલા સાધનો નગરપાલિકાના પ્રવેશ દ્વાર આડા મૂકી ચીફ ઓફિસરનો વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે નગરપાલિકાના સફાઈ કર્મચારી મહેશભાઈના જણાવ્યાનુસાર ચીફ ઓફિસર દ્વારા અમારા ૧૨ કર્મચારીઓને ખોટી રીતે છૂટા કરવામાં આવ્યા હતા જેને પરત લેવાના બદલે ધારાસભ્યની મધ્યસ્થી બાદ સાત દિવસથી સફાઈની કામગીરી કરતા બીજા પાંચ કર્મચારીઓને છૂટા કરવાનો તઘલઘી નિર્ણય લેવામાં આવ્યો છે જેની સામે વિરોધ કરવા અમોએ કચરા ભરેલા સાધનો નગરપાલિકાના પ્રવેશ દ્વારે મૂક્યા હોવાનું જણાવ્યું હતું. રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કર્મચારી વચ્ચે છેલ્લા બે માસથી વિવાદ ચાલી રહ્યો છે.

(5:17 pm IST)