Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

પથરી કઢાવવા ગયેલ દર્દીની ડોકટરે કિડની કાઢી લીધી નાખી : ચાર મહિના બાદ મોત :11.23 લાખનું વળતર ચૂકવવા આદેશ

ગુજરાત ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે બાલાસિનોરની કેએમજી હોસ્પિટલને આદેશ આપ્યો

નડિયાદ: ગુજરાતમાં એક દર્દી પથરી કઢાવવા માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો પરંતુ ડૉક્ટરે દર્દીની કિડની કાઢી નાખી હતી. જરૂરી અંગ કાઢ્યાના 4 મહિના બાદ દર્દીનું મોત થયુ હતુ. હવે ગુજરાત ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે બાલાસિનોરની કેએમજી હોસ્પિટલને આદેશ આપ્યો કે તે દર્દીના પરિવારજનોને 11.23 લાખ રૂપિયાનું વળતર આપે.

ઉપભોક્તા અદાલતે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ડૉક્ટરની બેદરકારીમાં હોસ્પિટલને જવાબદાર ગણાવી છે. કોર્ટે માન્યુ કે હોસ્પિટલ પોતાના કાર્યો જ નહી પણ ચુક માટે જવાબદાર છે. કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર છે. કોર્ટે હોસ્પિટલને વર્ષ 2012થી અત્યાર સુધી 7.5 ટકા વ્યાજ સાથે આ વળતર આપવાનો આદેશ કર્યો છે.

ખેડા જિલ્લામાં વાંગરોલી ગામના દેવેન્દ્ર રાવલે કમર દર્દ અને પેશાબમાં તકલીફની ફરિયાદ સાથે બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલમાં ડૉ. શિવુભાઇ પટેલનો સંપર્ક કર્યો હતો. મે 2011માં ખબર પડી હતી કે દેવેન્દ્ર રાવલની કિડનીમાં 14 એમએમની પથરી છે, તેમણે સારી સારવાર માટે કોઇ અન્ય સારી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં જવાનું સૂચન આપવામાં આવ્યુ હતુ, પરંતુ તેમણે કેએમજી હોસ્પિટલમાં સર્જરીની ઇચ્છા વ્યક્ત કરી હતી. 3 સપ્ટેમ્બર 2011માં તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. પરિવાર ત્યારે ચોકી ગયુ જ્યારે ડૉક્ટરે જણાવ્યુ કે પથરીની જગ્યાએ તેમની કિડની કાઢવામાં આવી છે. ડૉક્ટરે એમ પણ કહ્યુ કે આ દર્દીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ છે.

તે બાદ જ્યારે દેવેનદ્ર રાવલને પેશાબ કરવામાં વધુ તકલીફ થવા લાગી તો તેમણે નડિયાદની કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની સ્થિતિ વધારે બગડી તો તેમણે અમદાવાદની IKDRC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી 8 જાન્યુઆરી 2012માં તેમનું મોત થયુ હતુ. તે બાદ દેવેન્દ્ર રાવલની વિધવા મીનાબેને નડિયાદની ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગનો સંપર્ક કર્યો હતો. અહીથી તબીબી બેદરકારીને કારણે વર્ષ 2012માં ડૉક્ટર, હોસ્પિટલ અને યૂનાઇટેડ ઇંડિયા ઇંશોરન્સ કંપની લિમિટેડને 11.23 લાખ રૂપિયાનો વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના આદેશ બાદ હોસ્પિટલ અને ઇંશ્યોરન્સ કંપનીએ રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગમાં આ વિવાદને લઇને અપીલ કરી હતી કે આ વળતર કોણ આપશે. આ વિવાદ પર રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે કહ્યુ કે હોસ્પિટલ પાસે ઇંડોર અને આઉટડોર રોગીઓ માટે ઇંશ્યોરન્સ પોલિસી હતી પરંતુ સારવાર કરનારા ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી તબીબી બેદરકારી માટે ઇંશ્યોરન્સ કંપની જવાબદાર નથી. હોસ્પિટલે પથરી કાઢવા માટે સર્જરી કરી હતી અને દર્દીની પથરી કાઢવા માટે રજા પણ લીધી હતી પરંતુ તેની કિડની કાઢી લેવામાં આવી. આ સ્પષ્ટ રીતે ડૉક્ટર અને હોસ્પિટલની બેદરકારીની ઘટના છે.

(7:06 pm IST)