Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ભારતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા પૈકીની એક ઇફકો (ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ) સંસ્થાના ચેરમેન પદે દિલીપભાઈ સંઘાણીની નિમણૂક કરવામાં આવતાં ગુજરાતની સહકારી મંડળી સાથે જોડાયેલા લોકો તેમજ સહકારી આગેવાનોમાં આનંદની લાગણી

ગુજરાત માટે ગૌરવની બાબત દેશનાનાં સહકારી આગેવાનને મળી મહત્વપૂર્ણ જવાબદારી : ૫૭ સહકારી મંડળીઓ સાથે ૧૯૬૭ ના વર્ષમાં સ્થપાયેલી આ સંસ્થામાં આજે ૩૬,૦૦૦ થી વધુ ભારતીય સહકારી મંડળીઓ જોડાયેલ છે

રાજકોટ તા.૧૯ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી અને ગુજકોમાસોલના ચેરમેન  દિલીપભાઈ સંઘાણી ને ભારતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા પૈકીની એક એવી ઇફકો (ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ) સંસ્થાના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવતાં ગુજરાતની સહકારી મંડળી સાથે જોડાયેલા લોકો તેમજ સહકારી આગેવાનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

અમરેલીના વતની અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી  તેમની સ્વચ્છ છબીને કારણે તેઓ સહકાર ક્ષેત્રના લોકોમાં આગવું સ્થાન ધરાવે છે. હાલમાં તેઓ ગુજકોમાસોલ, NCUI, નાફ્સકોબ સહિતની સંસ્થાઓમાં ચેરમેન તરીકે કાર્યરત છે. તેવા સમયે 'ઇફકો' ના ચેરમેનનું નિધન થતાં તેમના ખાલી પડેલા ચેરમેનના પદની જવાબદારી ઈફ્કો ના વાઈસ ચેરમેન રહેલા શ્રી દિલીપભાઈ સંઘાણીને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શ્રી દિલીપભાઈ સંઘાણી જે સહકારી સંસ્થાના ચેરમેન બન્યા છે તે સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) એ ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાઓ પૈકીની એક સહકારી સંસ્થા છે, જે સંપૂર્ણ રીતે ભારતીય સહકારી સંઘની માલિકીની છે. માત્ર ૫૭ સહકારી મંડળીઓ સાથે ૧૯૬૭ ના વર્ષમાં સ્થપાયેલી આ સંસ્થામાં આજે ૩૬,૦૦૦ થી વધુ ભારતીય સહકારી મંડળીઓ જોડાયેલી છે.  

(7:25 pm IST)