Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ

સાબરમતીથી ગાંધીનગર, સાબરકાંઠા, રાજસ્થાન થઈને દિલ્હી પહોંચશે: ટ્રેનના રૂટમાં અંદાજે 15 સ્ટેશન બનશે, હિંમતનગર ગાંધીનગર અને અમદાવાદ એમ ત્રણ સ્ટેશન ગુજરાતમાં બનશે.

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટે વિચારણા ચાલી રહી છે, જેના માટે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ( NHRCL) હાલમાં અમદાવાદને મુંબઈ સાથે જોડતા હાઈ સ્પીડ (બુલેટ) રેલ કોરિડોરની કામગીરી કરી રહી છે. ત્યારે બીજી બાજુ અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન માટેની તૈયારીઓ પણ સરકાર દ્વારા આરંભાઈ છે.

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતીથી ગાંધીનગર, સાબરકાંઠા, રાજસ્થાન થઈને બુલેટ ટ્રેન દિલ્હી પહોંચશે. અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડે તે પહેલા જ અમદાવાદથી દિલ્હી માટે નવી બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકારની તૈયારીઓ તેજ થતાં ચારેબાજુ ચર્ચા ઉભી થઈ છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થનારા બુલેટ ટ્રેનના રૂટને લઈ જિલ્લા કલેકટર સાથે એક બેઠકનું આયોજન પણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદને દિલ્હી સાથે જોડતા અમદાવાદ - ઉદયપુર - જયપુર - દિલ્હીના 886 કિલોમીટર લાંબા દેશના સૌથી મોટા રૂટ પર બુલેટ ટ્રેન દોડશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદ દિલ્હી વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન દિલ્લી, હરીયાણા, રાજ્સ્થાન અને ગુજરાત એમ ચાર રાજ્યમાંથી પસાર થશે. અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેનના રૂટમાં અંદાજે 15 સ્ટેશન બનશે, જેમા હિંમતનગર ગાંધીનગર અને અમદાવાદ એમ ત્રણ સ્ટેશન ગુજરાતમાં બનશે. 

અત્રે નોંધનીય છે કે અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ડીપીઆર તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજી બાજુ એનએચઆરસીએલ ( NHRCL) દ્વારા રૂટની ડિઝાઈન, ટ્રાફિક સ્ટડી સહિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

 

(7:27 pm IST)