Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના 10 હજારથી વધુ કર્મચારીઓને પગાર પંચના તફાવતના 4 હપ્તા નહિ મળતા કફોડી સ્થિતિ

માધ્યમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ પંકજ પટેલે મુખ્યમંત્રી સહિત નાણાંમંત્રી તથા શિક્ષણમંત્રીને આવેદનપત્ર સુપ્રત કરવાની સાથોસાથ રૂબરૂમાં રજૂઆત કરી

અમદાવાદ :રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના 10 હજારથી વધુ કર્મચારીઓને પગાર પંચના તફાવતના 4 હપ્તા હજુ પણ મળ્યા ન હોવાથી કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે. ઘણાં કર્મચારીઓ તો નિવૃત્ત થઈ ગયા છે અને ઘણાં મૃત્યુ પામ્યા છે ત્યારે આ સંજોગોમાં ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય, શિક્ષકો તેમ જ કર્મચારીઓના બાકી હપ્તાની રકમ દિવાળી પહેલાં રોકડમાં ચુકવવા માટે માધ્યમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ પંકજ પટેલે રાજયના મુખ્યમંત્રી સહિત નાણાંમંત્રી તથા શિક્ષણમંત્રીને આવેદનપત્ર સુપ્રત કરવાની સાથોસાથ રૂબરૂમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતનો મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

ગુજરાત રાજ્યમાં સાતમા પગારપંચનો અમલ 1 ઓક્ટોબર, 2017થી કરવામાં આવ્યો હતો. જે પગાર પંચના તફાવતની રકમ સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો, સરકારી શાળાના શિક્ષકો, હાલ ચાલુ તેમજ નિવૃત્ત થયેલા તે તમામને રોકડમાં છ માસમાં માસિક તમામ હપ્તા ચુકવી આપવામાં આવ્યા છે. જોકે, રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત માત્રને માત્ર રાજ્યની ગ્રાન્ટેડ શાળાના 10 હજાર કરતા વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, આચાર્યો, ક્લાર્ક અને સેવકોને આ રકમ પાંચ વાર્ષિક હપ્તામાં ચુકવવાનું નક્કી કરાયું હતું. જેનો ફક્ત એક જ વાર્ષિક હપ્તો રોકડામાં મળ્યો છે. જ્યારે ચાર વર્ષના ચાર હપ્તા મળવાના હજુ બાકી છે.

ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ પંકજ પટેલે વધુમાં એવી પણ રજૂઆત કરી છે કે, 1 જાન્યુઆરી, 2016થી 31 જાન્યુઆરી, 2021 સુધીમાં ગ્રાન્ટેડ શાળાના લગભગ 12 હજાર કરતા વધુ કર્ચમારીઓ નિવૃત્ત થયા છે. તેમાંથી 200થી વધુ મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને પણ ખબર નથી કે તેમની કેટલી રકમ લેવાની થાય છે. ઘણી શાળામાંથી રેકોર્ડ પણ ઉપલબ્ધ થતાં નથી. આ બાબતને ધ્યાનમાં લઈ ગ્રાન્ટેડ શાળાના નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકીના ચાર હપ્તા માનવતાના ધોરણે સત્વરે રોકડમાં ચુકવવા માટે રજૂઆત કરી છે.

(8:23 pm IST)