Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

કોરોનામાં મુત્યુ પામેલા તેમજ સારવાર લેનારા વકીલોને સહાય ચૂકવવાના કારણે સ્થિતિ કફોડી

ગુજરાત બાર કાઉન્સિલના ડેલીગેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી

અમદાવાદ :કોરોનામાં મુત્યુ પામેલા વકીલો તથા સારવાર લેનારા વકીલોને સહાય ચુકવવાના કારણે ગુજરાત બાર કાઉન્સિલની આર્થિક સ્થિતિ કફોડી છે. મુતક વકીલોના વારસદારોને સહાય ચુકવી શકાય તે માટે સરકારને 5 કરોડ રૂપિયા ફાળવવા માટે ગુજરાત બાર કાઉન્સિલના ડેલીગેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત પરત્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે હકારાત્મક વલણ દાખવ્યું હોવાનું ગુજરાત બાર કાઉન્સિલે જણાવ્યું છે. આ ઉપરાંત વકીલોના પ્રશ્નો માટે મંત્રીઓ રાઘવજી પટેલ, પૂર્ણેશ મોદી તથા હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી હતી.

ગુજરાત બાર કાઉન્સિલ દ્રારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ વેલ્ફેર ફંડના સભ્ય બનનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને તેમના મુત્યુ બાદ હાલમાં 3,50,000 ચુકવી રહ્યાં છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્રારા વેલ્ફેર ફંડની ટિકીટ, વેલ્ફેર મેમ્બરશીપ ફી અને વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી દ્રારા વેલ્ફેર ફંડનું ભંડોળ એકઠું કરવામાં આવે છે. અને નિયમિત વેલ્ફેર ફંડના નિયમોનું પાલન કરનાર અને રેગ્યુલર ફી ભરનાર ધારાશાસ્ત્રીઓના મુત્યુ બાદ તેમના પરિવારને સમયસર રકમ આપવામાં આવે છે. વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણોસર ધારાશાસ્ત્રીઓના મુત્યુની સંખ્યા ખૂબ જ મોટો વધારો થયો હતો. બે વર્ષમાં કોરોના સમયમાં 300 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓના વારસદારોને મુત્યુ સહાય પેટે નવ કરોડ રૂપિયા ચુકવવામાં આવી હતી. જયારે 11,500 જેટલાં જુનિયર ધારાશાસ્ત્રીઓને 5 હજાર સુધીની કોરોના સહાય પેટે રૂપિયા 6 કરોડ જેટલી તેમ જ 2200 જેટલાં ધારાશાસ્ત્રીઓને કોરોનામાં માંદગી સહાય પેટે રૂપિયા સાડા ત્રણ કરોડ ચુકવી હતી.

ગુજરાત બાર કાઉન્સિલના સમરસ પેનલના સંયોજક જે.જે. પટેલ સહિત ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કે.આર. ત્રિવેદી, વાઇસ ચેરમેન કરણસીંહ બી. વાઘેલા, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લા સહિત 16 જેટલાં ધારાશાસ્ત્રીઓનું ડેલીગેશન આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. તેમને ગુજરાતના વર્તમાન સમયમાં એક લાખ જેટલાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે તાકીદે વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ગુજરાત બાર કાઉન્સિલના વેલ્ફેર ફંડને પહોંચી વળવા ધારાશાસ્ત્રીઓના કુટુંબીજનોને સમયસર મુત્યુ સહાય ચુકવી શકાય તે માટે 5 કરોડ ફાળવવા માટે રજૂઆત કરી હતી. જેના પ્રતિસાદમાં મુખ્યમંત્રીએ આ અંગે ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી. જયારે ગુજરાત બાર કાઉન્સિલની વેલ્ફેર ફંડની ગ્રાન્ટ સહિતના મુદ્દાઓ માટે રાજયના મહેસુલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

(8:27 pm IST)