Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મુંદરા ડ્રગ્સકાંડમાં NIAએ ત્રણ આરોપીની નવેસરથી ધરપકડ કરી ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યાં

ત્રણ આરોપીની એનડીપીએસ કૉર્ટમાંથી કસ્ટડી મેળવી NIAએ તેમને અમદાવાદની ખાસ NIA કૉર્ટમાં રજૂ કર્યાં

અમદાવાદઃ મુંદરા પોર્ટ પરથી ઝડપાયેલાં ૨૧ હજાર કરોડના ડ્રગ્સકાંડમાં તપાસનો દૌર સંભાળ્યાં બાદ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ ત્રણ આરોપીની નવેસરથી ધરપકડ કરી ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. ભુજમાં જ્યુ. કસ્ટડીમાં રહેલાં ત્રણ આરોપીની એનડીપીએસ કૉર્ટમાંથી કસ્ટડી મેળવી NIAએ તેમને અમદાવાદની ખાસ NIA કૉર્ટમાં રજૂ કર્યાં હતા.

આરોપીઓમાં આંધ્રપ્રદેશના વિજયવાડાની આશી ટ્રેડિંગના મચવરમ્ સુધાકર, તેની પત્ની ગોવિંદ રાજુ દુર્ગાપૂર્ણા વૈશાલી અને રાજકુમાર પી.નો સમાવેશ થાય છે. ગત સપ્ટેમ્બર માસમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે ત્રણે આરોપીની ધરપકડ કરી હતી.

મુંદરા પોર્ટ પર આવેલો હેરોઈનનો જંગી જથ્થો ભારતમાં નાર્કો ટેરરીઝમ ફેલાવવાનું ષડયંત્ર હોવાની અને તેમાં વિદેશી હાથની સંડોવણી હોવાના આધાર પર NIAએ આરોપીઓના રીમાન્ડની માંગણી કરી હતી. એડિશનલ સેશન્સ જજ અને ખાસ કૉર્ટના જજ પી.સી.જોશીએ ત્રણેના ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.

(8:35 pm IST)