Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજપીપળા એરીયા કાપડ મરચન્ટ એસોશીએશન દ્વારા રાજપીપળામાં રેલ્વે ચાલુ કરવા કલેકટર ને રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એરીયા કાપડ મરચન્ટ એસોશીએશન દ્વારા નર્મદા કલેકટર ને રેલવે ચાલુ કરવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે.

રજુઆત માં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના વડા મથક રાજવી રાજપીપલામાં હાલ રાજપીપલાથી અંકલેશ્વર સુધી ચાલતી ટ્રેન રેલ્વે વિભાગને ખોટ જતી હોવાથી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે તેમજ હાલમાં રીઝર્વેશનબારી પણ બંધ કરી દેવામાં આવી છે . જો આ જ ટ્રેનને અંકલેશ્વર સુધી ઝડપથી દોડાવવામાં આવે તો રાજપીપલાથી અંકલેશ્વર આવન જાવન કરતા મુસાફરો તેમજ વેપારી વર્ગ માટે ખુબ સરળતા પડી રહે . તેમજ રેલ્વેને રાજપીપલાથી વાયા કેવડીયા થી વડોદરા સુધી લંબાવાય તો અંકલેશ્વર , સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનીટી આવન જાવન કરવા તેમજ રાજપીપલાથી વડોદરા આવન જાવન કરવામાં ખુબજ સરળતા રહે . તેમજ કેવડીયાથી મુંબઇ જનારી ટ્રેન પણ વાયા રાજપીપલા થઇને જાય એવી  માંગ કરાઈ છે .
હાલ રાજપીપલામાં વેપાર ધંધા ખુબ જ પડી ભાંગ્યા છે તેને પણ આ રેલ્વેલાઇન ચાલુ કરવાથી વેગ મળશે . તથા વધુમાં રાજપીપલા તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં કોઇપણ જાતની ઇન્ડસ્ટ્રીઝ આવેલી નથી તો રાજપીપલા પણ ટુરીઝમ ક્ષેત્રે વિકાસ પામે તો જ રાજપીપલાના વેપારીઓ તેમજ જનતાને ફાયદા કારક નીવડે તેમ હોવાથી રેલવે શરૂ કરવા રાજપીપળા એરીયા કાપડ મરચન્ટ એસોશીએશન દ્વારા કલેકટર ને લેખિત રજુઆત કરવામાં આવી છે તેમ એસોસિએશન ના મંત્રી કૌશલ કાપડિયા એ જણાવાયું છે.

(10:52 pm IST)