Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અમદાવાદના જવેલર્સ લઘુશંકા કરવા જવું મોંઘુ પડ્યું : નોકર 1.25 કરોડના દાગીના ભરેલ બેગ અને એક્ટિવા લઇને ફરાર

મૂળ રાજસ્થાનના અને માણેકચોકમાં જવેલર્સની દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચીએ નરોડા પોલીસ સ્ટેશનમાં આનંદ રાજપૂત અને ગણેશ ઘાંચી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જવેલર્સના વેપારીને લઘુશંકાએ જવું ભારે પડ્યું છે. અલગ અલગ જવેલર્સમાં વેપાર અર્થે દાગીના બતાવવા માટે જતા વેપારી રસ્તામાં લઘુશંકા કરવા માટે જતા નોકર દાગીના ભરેલ બેગ અને એક્ટિવા લઈને ફરાર થઈ ગયો છે.

મૂળ રાજસ્થાનના અને માણેકચોકમાં જવેલર્સની દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે 16મી ઓકટોબરે બપોરના સમયે તે અને તેમનો નોકર 1 કરોડ 25 લાખની કિંમતના અલગ અલગ ડિઝાઇનના 4 કિલો 625 ગ્રામ સોનાના દાગીના ભરેલ બેગ લઈને નીકળ્યા હતા. જે દાગીનાના સેમ્પલ વેપાર અર્થે કૃષ્ણનગર ખાતે આવેલ અક્ષર જવેલર્સમાં બતાવીને તેઓ નરોડા નવયુગ સ્કુલ રોડ પર આવેલ અંબિકા જવેલર્સ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ વખતે એક્ટિવા ફરિયાદીનો નોકર આનંદ રાજપૂત ચલાવતો હતો.

બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ કૃષ્ણનગર આદિશ્વર કેનાલ પર પહોંચતા ફરિયાદી એક્ટિવા સાઈડ પર પાર્ક કરાવીને લઘુશંકા માટે ગયા હતા. આ સમયે આનંદ રાજપૂત નામનો આરોપી એક્ટિવા અને દાગીના ભરેલ બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો. જોકે ફરિયાદી એ તેનો પીછો કર્યો હતો પરંતુ તે મળી આવ્યો ના હતો. ફરિયાદીએ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

જ્યારે ફરિયાદીએ આનંદને નોકરીએ રખાવનાર તેમના જ ગામના ગણેશભાઈ ઘાંચીને ફોન કર્યો હતો. જોકે તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ફરિયાદીએ તેમના ઘરે તપાસ કરતા તેઓ પણ મળી આવ્યા ના હતા. ગણેશભાઈએ આનંદને અઢી મહિના પહેલા જ નોકરીએ રખાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આનંદ રાજપૂત અને ગણેશ ઘાંચી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(12:00 am IST)